World Heritage: હેરીટેજ ડે 2025: ગુજરાતના ચાર ઐતિહાસિક સ્થળો બન્યા વિશ્વભરમાં લોકપ્રિય
World Heritage: ગુજરાતમાં આવેલી વારસાગત સ્થળોની લોકપ્રિયતા વર્ષે વધી રહી છે. યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ્સ માત્ર ઇતિહાસના જીવંત સાક્ષી જ નથી, પણ ગુજરાતના સાંસ્કૃતિક વૈભવ અને પ્રાચીન વારસાની ગૌરવગાથા પણ કહી જાય છે. રાજ્ય સરકારે શરૂ કરેલી ‘હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25’ અંતર્ગત પ્રવાસીઓ માટે વિશ્વ સ્તરીય સુવિધાઓ વિકસાવવાથી અહીંનો પ્રવાસન વિકાસ નોંધપાત્ર રહ્યો છે.
2024માં આ ચાર હેરિટેજ સાઇટ્સે ઘણું આકર્ષણ ખેચ્યું છે:
અમદાવાદ હેરિટેજ સિટી : 7.15 લાખ+
રાણી કી વાવ, પાટણ : 3.64 લાખ+
ધોળાવીરા, કચ્છ : 1.60 લાખ+
ચાંપાનેર-પાવાગઢ : 47,000+
મોટા પ્રમાણમાં આવેલા પ્રવાસીઓના આગમનથી રાજ્યના 18 જેટલા હેરિટેજ સ્થળોએ કુલ મળીને 36.95 લાખથી વધુ મુલાકાતો નોંધાઈ છે, જે રાજ્યની અર્થવ્યવસ્થાને બળ આપી રહી છે.
ચાંપાનેર-પાવાગઢ (2004)
પંચમહાલ જિલ્લામાં આવેલું આ શહેર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પાવાગઢની ટેકરી પર આવેલ કાલિકા માતાનું મંદિર શક્તિપીઠ રૂપે ઓળખાય છે. આ વિસ્તારમાં અનેક ખંડેરો આજે પણ નજરે પડે છે, જેમ કે કિલ્લાની દીવાલો, દરવાજાઓ, અને રાજમહેલો.
રાણી કી વાવ, પાટણ (2014)
પાટણના હૃદયસ્થળે આવેલી આ વિખ્યાત વાવ 11મી સદીમાં રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવી હતી. અહીંના નવતર શિલ્પો, દેવીદેવતાઓની મૂર્તિઓ અને વિજ્ઞાનસંમત જળ વ્યવસ્થા વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. ખાસ તો RBIની ₹100ની નોટ પર તેની છબી છે, જે તેની વૈશ્વિક ઓળખનો પરિચય આપે છે.
અમદાવાદ – ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી (2017)
પ્રાચીન આશાવલથી શરૂ થયેલું અમદાવાદ શહેર સાબરમતી કિનારે વસેલું છે. અહીંના કિલ્લાઓ, હવેલીઓ, મસ્જિદો અને મંદિરોએ અનેક યુગોનો ઈતિહાસ પોતામાં સમાવી રાખ્યો છે. ગાંધી આશ્રમ જેવી લોકપ્રિય જગ્યા પણ અહીં આવેલ છે, જે આજના દિવસે વૈશ્વિક પ્રવાસનનું હોટસ્પોટ બની ચૂક્યું છે.
ધોળાવીરા, કચ્છ (2021)

હડપ્પન સંસ્કૃતિના અવશેષરૂપે મળેલું ધોળાવીરા શહેર લગભગ 5000 વર્ષ જૂનું છે. અહીં મળેલી નગર રચના, પાણીની વ્યવસ્થા અને શિલ્પશાસ્ત્ર દુનિયાભરના ઈતિહાસપ્રેમીઓ અને વૈજ્ઞાનિકોને આકર્ષે છે. ભારત સરકારે ધોળાવીરાને “સ્વદેશ દર્શન 2.0” યોજના હેઠળ વિશેષ મહત્વ આપ્યું છે.
હેરિટેજ ટુરિઝમ પોલિસી 2020-25
ગુજરાત સરકારે રાજ્યના જુદા જુદા હેરિટેજ સ્થળોને વૈશ્વિક મંચે સ્થાન અપાવવાનું લક્ષ્ય રાખ્યું છે. જૂના ઝરૂખા, મહેલો, કિલ્લા જેવી ઈમારતોનું રેસ્ટોરેશન અને પ્રવાસી મૈત્રી માળખાકીય સુવિધાઓ આપીને રાજ્યની સાંસ્કૃતિક ઓળખને નવો ઊંચેરો આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
યુનેસ્કો દ્વારા દર વર્ષે આ તારીખે વિશ્વ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. 2025માં ICOMOS દ્વારા “આફતો અને સંઘર્ષોથી હેરિટેજ પર જોખમ” વિષય ઉપર કેન્દ્રિત થનાર કાર્યક્રમો યોજાશે, જેમાં ગુજરાતના વિવિધ સ્થળો પણ શામેલ થશે.



