World Forest Day: ગુજરાતમાં 21% ટ્રી કવર ઘટાડો, વન સંરક્ષણની હકીકત શું છે?
World Forest Day: આજનો દિવસ ‘વિશ્વ વન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે, જેનો હેતુ છે પર્યાવરણ અને માનવજીવન માટે વનોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવી. 2025ની થીમ “વનો અને ખોરાક” રાખવામાં આવી છે, જે વનોની ખોરાક સુરક્ષા, પોષણ અને આજીવિકામાં ભૂમિકા દર્શાવે છે. પરંતુ, ગુજરાતમાં વાસ્તવિક પરિસ્થિતિ ચિંતાજનક છે, કારણ કે છેલ્લા 20 વર્ષમાં રાજ્યના 19347 હેક્ટરથી વધુ જંગલ વિસ્તાર વિકાસના ભોગ બની ચૂક્યો છે.
ગુજરાતમાં ટ્રી કવર 21% ઘટ્યું
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયના ‘ઇન્ડિયા સ્ટેટ ઑફ ફોરેસ્ટ રિપોર્ટ 2023’ અનુસાર, છેલ્લા એક દાયકામાં ગુજરાતમાં 1725 ચોરસ કિલોમીટરમાં ટ્રી કવર ઘટાડો થયો છે. 2013માં રાજ્યનું ટ્રી કવર 8358 ચો. કિ.મી. હતું, જે 2023માં 6632 ચો. કિ.મી. પર આવી ગયું છે, એટલે કે 21% ઘટાડો થયો છે.
જંગલ વિસ્તાર કોના કારણે ઘટ્યો?
ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક્સ 2023-24 અનુસાર, સૌથી વધુ 8895 હેક્ટર જમીન રોડના બાંધકામ અને ટ્રાન્સમિશન લાઇન માટે વપરાઈ છે. ઉપરાંત, રિહેબિલિટેશન માટે 2843 હેક્ટર, સબમર્જન્સ માટે 939 હેક્ટર, સિંચાઇ માટે 539 હેક્ટર, ઔદ્યોગિક એકમો માટે 420 હેક્ટર અને ખેતી માટે 41 હેક્ટર જમીન ઉપયોગમાં લેવામાં આવી છે. જ્યારે 5669 હેક્ટર જમીન અન્ય પ્રોજેક્ટ્સ માટે વપરાઈ છે.

ગુજરાતમાં ફક્ત 9.05% જંગલ વિસ્તાર બચ્યો
રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ફક્ત 9.05% વિસ્તારમાં જ જંગલ બચ્યું છે. 13 જિલ્લાઓમાં જંગલ વિસ્તાર 5%થી પણ ઓછો રહ્યો છે, જેમાં અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને વડોદરા જેવા જિલ્લાઓમાં શહેરીકરણના કારણે જંગલો ઝડપથી ઘટી રહ્યા છે.
ડાંગ અને વલસાડમાં 25% કરતાં વધુ જંગલ
આંશિક રાહત આપતી વાત એ છે કે ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, જૂનાગઢ અને વલસાડ જિલ્લામાં 25% કરતાં વધુ જંગલ વિસ્તાર છે. જો કે, સમગ્ર રાજ્ય માટે આ આંકડા ખૂબ ચિંતાજનક છે.
પર્યાવરણ બચાવવા તાત્કાલિક પગલાં જરૂરી!
આંકડા સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં વન સંરક્ષણ માટે કાયદાકીય કડકાઈ અને સશક્ત નીતિઓની જરૂર છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો ભવિષ્યમાં ગુજરાત વનવિહીન રાજ્ય બની શકે છે.



