Vikram Thakor Explosive Statement : વિક્રમ ઠાકોરનું વિસ્ફોટક નિવેદન: શંકર ચૌધરીને ‘મીડીયેટર’ ગણાવ્યા, કહ્યું – ‘અમારા સમાજને ઉપેક્ષિત રાખવામાં આવ્યો’
Vikram Thakor Explosive Statement : ગુજરાત વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને પ્રાથમિકતા ન આપવાના મુદ્દે રાજકીય અને સામાજિક વિવાદ ઉગ્ર બન્યો છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ પ્રખર પ્રતિક્રિયા આપી હતી. એવામાં વિક્રમ ઠાકોરે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ યોજી, જ્યાં તેમણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને ‘મીડીયેટર’ ગણાવી, સરકારની નીતિઓ સામે કટાક્ષ કર્યા.
ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવ્યા?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ, જ્યારે ગુજરાત સરકારે વિધાનસભામાં જાણીતા કલાકારોને આમંત્રિત કરી, તેમનું સન્માન કર્યું અને વિધાનસભાની કાર્યવાહી જોવા મોકો આપ્યો. આ યાદીમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી જેવા કલાકારો સામેલ હતા, પણ ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આમંત્રણ ન અપાયું.
વિક્રમ ઠાકોરે સરકારના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને સરકારની નીતિઓને પડકારતાં વિડિયો દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા.
‘અમારા સમાજને અવગણવામાં આવે છે’ – વિક્રમ ઠાકોર
પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમ ઠાકોરે જણાવ્યું:
“મને ન બોલાવ્યું એ મારી વ્યક્તિગત બાબત છે, પણ ઘણા સમયથી ઠાકોર સમાજના કલાકારોને અવગણવામાં આવે છે. કદાચ સરકારને આ બાબતની જાણ નથી, પણ મીડીયેટરો (મધ્યસ્થીઓ) દ્વારા જ આ ફેરફાર થાય છે. સરકારી કાર્યક્રમોમાં ઠાકોર સમાજના કલાકારોને અવગણવાની પ્રથા ચાલુ છે.”
‘જાતિ આધારિત ભેદભાવ?’
વિક્રમ ઠાકોરે વધુ કહ્યું:
“કલાકારની કોઈ જાતિ હોય નહીં, તો પછી ઠાકોર સમાજના કલાકારોને કેમ આમંત્રિત કરવામાં આવતા નથી?”
તેમણે વિધાનસભામાં આમંત્રિત કલાકારોની યાદી સામે ઉગ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ઠાકોર સમાજના કલાકારોને અવગણવું નાતજાતની પ્રથા છે.
‘શંકર ચૌધરીએ પસંદગીના લોકોને જ બોલાવ્યા’
વિક્રમ ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પર આક્ષેપ કરતાં કહ્યું કે,
“મારા સમાજના કલાકારોને અવગણવાની આવી છટણી ચાલે નહીં. સરકાર દરેક જ્ઞાતિના કલાકારોનું સન્માન કરે, પણ માત્ર પસંદગીના ‘મીડીયેટરો’ દ્વારા નક્કી કરાયેલા કલાકારોને જ બોલાવવાનું બંધ થવું જોઈએ.”

‘સરકારી કાર્યક્રમો નહીં મળે, તો ભૂખ્યા નહીં રહીએ’
જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં સરકારી લાભ માટે આ વિરોધ કરી રહ્યા છો? એવો પ્રશ્ન પૂછાયો, ત્યારે વિક્રમ ઠાકોરે જણાવ્યું:
“મારા સમાજના કલાકારો કોઈ સરકાર પર નિર્ભર નથી. સરકારી કાર્યક્રમો નહીં મળે તો અમે ભૂખ્યા નહીં રહીએ. હું જે કરું છું તે મારા સમાજના હિત માટે કરું છું.”
તેમણે વધુમાં જણાવ્યું કે અલ્પેશ ઠાકોરે તેમનો સંપર્ક કર્યો હતો અને મુખ્યમંત્રી સાથે બેઠકની વાત પણ કરી હતી.
‘પીએમ મોદીએ 2007માં રાજકારણમાં જોડાવા માટે કહ્યું હતું’
એક અન્ય સવાલના જવાબમાં વિક્રમ ઠાકોરે ખુલાસો કર્યો:
“2007માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને રાજકારણમાં જોડાવા માટે કહ્યું હતું, પણ મેં એ સમયે ના પાડી હતી.”
તેમણે વધુ ઉલ્લેખ કર્યો કે તેમની ‘ખેડૂત એક રક્ષક’ ફિલ્મમાં સરકારની વિવિધ યોજના વિશે મેસેજ હતા, છતાં ફિલ્મને કોઈ સરકારી એવોર્ડ મળ્યો નહીં.
વિક્રમ ઠાકોરના આ નિવેદનથી રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. ઠાકોર સમાજના કલાકારો સાથે સરકાર અન્યાય કરી રહી છે કે નહીં, તે મુદ્દે વાંધા-આક્ષેપો ઉઠી રહ્યા છે. આ મુદ્દે સરકાર શું પગલા લે છે, તે જોવાનું રહેશે.



