Vejalpur Startup Festival : સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0: વેજલપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું, 42 સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો
Vejalpur Startup Festival : અમદાવાદમાં સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 નું ભવ્ય આયોજન થયું. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના નિર્દેશનમાં યોજાયેલા આ ઇવેન્ટનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, boAtના સંસ્થાપક અમન ગુપ્તા અને PAYTMના ફાઉન્ડર વિજય શેખર શર્મા પણ ઉપસ્થિત રહ્યા.
42 સ્ટાર્ટઅપ્સના પ્રદર્શન સાથે ઉદ્યોગસાહસિકતાનો મહોત્સવ
સિંધુભવન રોડ ખાતે આવેલા જેડએ હોલ માં આયોજિત આ ફેસ્ટિવલમાં 42 સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો હતો. આમાં એગ્રીકલ્ચર, ફૂડ ટેકનોલોજી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT), એન્જિનિયરિંગ અને અન્ય વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટઅપ્સ શામેલ હતા. મુખ્યમંત્રીએ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે મુલાકાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા.
વિજય શેખર શર્મા: સફળતાની પ્રેરક કહાણી
PAYTMના સ્થાપક વિજય શેખર શર્માએ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને પ્રેરણાદાયક સંદેશ આપતા કહ્યું:
“1998માં કોલેજ પૂર્ણ કર્યા બાદ મારે બિઝનેસ શરૂ કરવાનું હતું. એ સમયે મારા ઘણા સાથીઓ અમેરિકા જતા હતા, પણ હું ભારત રહ્યો અને PAYTMની શરૂઆત કરી. માત્ર 8 લાખ રૂપિયામાં 40% ઈક્વિટી આપી હતી, ત્યારે લોકો મજાક ઉડાવતા. આજે PAYTM એક બ્રાન્ડ છે. ઈનોવેશનને ક્યારેય નકારાત્મક ટિપ્પણીઓથી ડગમગવા દેવું નહીં.”
boAtના અમન ગુપ્તાનો મંત્ર: ધીરજ અને દ્રઢ નિશ્ચય જરૂરી
boAtના ફાઉન્ડર અમન ગુપ્તાએ સ્ટાર્ટઅપની શરુઆત અને પડકારો અંગે વાત કરતા કહ્યું:
“સફળતા તાત્કાલિક મળતી નથી. સંઘર્ષ, ધીરજ અને દ્રઢ નિશ્ચય જરૂરી છે. આજે boAt માત્ર ભારતમાં જ નહીં, પણ વૈશ્વિક સ્તરે એક જાણીતી બ્રાન્ડ બની છે. જે ક્યારેય અશક્ય લાગતું હતું, તે આજે વાસ્તવિકતા છે.”
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સંદેશ: ગુજરાત સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઉદ્યોગસાહસિક યુવાનો માટે સંદેશ આપતા જણાવ્યું:
“પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતનું સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ ખૂબ મજબૂત બન્યું છે. ગુજરાત હવે સ્ટાર્ટઅપ હબ બની રહ્યું છે. સ્ટાર્ટઅપ યુવાનો માટે આર્થિક સ્વતંત્રતાનું શક્તિશાળી સાધન છે. જો કોઈ સ્ટાર્ટઅપ્સને મદદની જરૂર હોય, તો તેઓ સરકાર સુધી સીધો સંપર્ક કરી શકે.”

વિના મૂલ્યે 42 સ્ટાર્ટઅપ્સને સ્ટોલ આપવામાં આવ્યા
ફેસ્ટિવલના આયોજક અમિત ઠાકરે જણાવ્યું:”ગુજરાતમાં કુલ 11,000 સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી 2,000 સ્ટાર્ટઅપ્સ એકલા વેજલપુરમાં છે. 2014 બાદ સ્ટાર્ટઅપ્સમાં 400%નો વધારો નોંધાયો છે. ફેસ્ટિવલમાં 42 સ્ટાર્ટઅપ્સને વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે, જેથી તેઓ વધુ ને વધુ નેટવર્કિંગ કરી શકે.”
સ્ટાર્ટઅપ્સ માટે મહત્ત્વપૂર્ણ તકો
ફેસ્ટિવલમાં ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને વ્યાવસાયિક નિષ્ણાતો હાજર રહ્યા હતા.
સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને ફંડિંગના અવસર મળ્યા
ટેક્નોલોજી, ઈનોવેશન અને માર્કેટિંગ પર વર્કશોપ યોજાયા
યુવા ઉદ્યોગસાહસિકોને નવી તકો અને માર્ગદર્શન મળ્યું
આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 માત્ર પ્રદર્શન અને ઉદ્યોગસાહસિકતા માટે નહીં, પણ ગુજરાતના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ સાબિત થયો.



