Triranga Yatra Gujarat: ઓપરેશન સિંદૂર પછી ગુજરાત દેશભક્તિના રંગે રંગાયું, ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં તિરંગા યાત્રાઓથી ગૂંજ્યાં નારા
Triranga Yatra Gujarat: ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતના સુરક્ષા દળોએ આતંકવાદ વિરોધી અભિયાન ચલાવ્યા બાદ સમગ્ર દેશમાં દેશભક્તિની લાગણીઓ ઊભરી રહી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પણ એ જ ઉમંગ અને ઉર્જા સાથે તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું. ગાંધીનગર, રાજકોટ અને સુરતમાં આયોજિત આ યાત્રાઓમાં સામાન્ય લોકોથી લઈને રાજકીય નેતાઓ સુધી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
રાજકોટ: રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગૌરવનું પ્રદર્શન
રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોકેથી શરૂ થયેલી તિરંગા યાત્રાએ શહેરના હર એક ખૂણે દેશભક્તિના નારા ગુંજાવ્યા. યાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત સૌરાષ્ટ્રના મહત્વના રાજકીય નેતાઓ હાજર રહ્યા. ઢોલ-નગારા, ભારત માતા કી જયના નારા અને લહેરાતા તિરંગાઓ સાથે સમગ્ર શહેર રાષ્ટ્રપ્રેમના ઉમંગથી ઝળહળ્યું. યાત્રાના અંતે પાકિસ્તાન વિરોધી સૂત્રોચાર સાથે દેશના જવાનોના બલિદાનને સ્મરણ કરવામાં આવ્યું.

સુરત: ભાગળથી ચોક બજાર સુધી તિરંગા યાત્રા
સુરતના ભાગળ વિસ્તારમાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું હતું. સી.આર. પાટીલની આગેવાની હેઠળ યોજાયેલી યાત્રામાં શહેરના સામાજિક સંગઠનો, ભાજપના કાર્યકરો અને યુવાઓએ ઉમંગભેર હાજરી આપી. ભાગળ ચાર રસ્તાથી યાત્રા શરૂ થઈ અને ચોક બજાર ચાર રસ્તા સુધી દેશભક્તિથી ભરેલી આ યાત્રાનું સમાપન થયું. લોકોને ભારતીય સેનાના યશગાન અને “જવાન સુપરહિરો છે” જેવા નારાઓ કરાયા.
ગાંધીનગર: હર્ષ સંઘવીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતા પ્રગટાવી
રાજ્યના મુખ્ય મથક ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં યોજાયેલી તિરંગા યાત્રાએ પણ વિશાળ જનમેદની ઉમટેલી. હાથમાં તિરંગા લઈને નાગરિકોએ શહેરના માર્ગો પર ઉતરી દેશભક્તિનો અહેસાસ વ્યક્ત કર્યો. યાત્રા દરમિયાન રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું:

“આનંદ છે કે ભારત હવે એવો દેશ છે કે જ્યાં ઈંટનો જવાબ ગોળાથી મળે છે. આતંકીઓના અડ્ડા નષ્ટ કરવામાં આવ્યા છે. હવે ભારત આતંકવાદ બરદાસ્ત નહીં કરે.”
તિરંગા યાત્રા દેશભક્તિનો જીવંત પુરાવો
ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના મોટા શહેરોમાં આયોજિત તિરંગા યાત્રાઓ એ જીવંત સાક્ષી બની. સુરત હોય કે રાજકોટ કે ગાંધીનગર — દરેક સ્થળે લોકો એક જ સ્વરમાં બોલ્યા: “જય હિન્દ!”



