Teacher Protest News: ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનો ઘેરાવો: 15 વર્ષથી કાયમી ભરતી બંધ, 5000થી વધુ ખાલી જગ્યાઓ ભરવાની માંગ
Teacher Protest News: ગાંધીનગરના રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકો કાયમી ભરતીની માંગ સાથે ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. શિક્ષકોએ પોતાના બાળકો સાથે પોસ્ટર અને બેનર લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી અટકેલી છે, અને અનિશ્ચિત ભવિષ્યને લઈને નારાજ છે.
હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મર્યાદિત સંખ્યામાં જ વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે, જ્યારે ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે કાયમી વ્યાયામ શિક્ષકોની કોઈ નિમણૂક થતી નથી. શિક્ષકો SAT (Sports Aptitude Test) કસોટીને માન્ય ગણાવી કાયમી ભરતી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.

સરકારે જ 5,075થી વધુ વ્યાયામ શિક્ષકની ખાલી જગ્યાઓ દર્શાવી હતી. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને RTE 2009 અનુસાર શારીરિક શિક્ષણને ફરજિયાત ગણાવવામાં આવ્યું છે, તેથી શિક્ષકોની માંગ છે કે, શાળાઓમાં વ્યાયામને પૂર્ણકાલીન વિષય તરીકે અમલમાં મૂકવો જોઈએ.
શિક્ષકોની વધુ એક મુખ્ય માગ છે કે, કરાર આધારિત ભરતીને બંધ કરી સરકાર નવો જી.આર. જાહેર કરે અને તાત્કાલિક કાયમી ભરતી શરૂ કરે. આ આંદોલન શિક્ષકોના ભવિષ્ય અને બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ માની શકાય.



