TB-Free Gujarat: ટીબી સારવારમાં ગુજરાત દેશમાં અગ્રેસર, નીતિ આયોગના 95% લક્ષ્યાંક હાંસલ કર્યા
TB-Free Gujarat: 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષ્યને સાકાર કરવા ગુજરાતે 2024માં નોંધપાત્ર પ્રગતિ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ટીબી નોંધણી અને સફળ સારવાર મામલે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત લક્ષ્યના 95% હાંસલ કર્યા છે. રાજ્યમાં 91% દર્દીઓની સફળ સારવાર થઈ છે.
ટીબી નિયંત્રણમાં ગુજરાતની સિદ્ધિ
ગુજરાતને 2024 માટે 1,45,000 ટીબી દર્દીઓની ઓળખ અને નોંધણીનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જેમાંથી 1,37,929 દર્દીઓની ઓળખ અને નોંધણી સફળતાપૂર્વક કરવામાં આવી. સાથે જ 1,24,581 દર્દીઓની અસરકારક સારવાર કરવામાં આવી, જેના કારણે સારવાર પૂર્ણ થવાનો દર 90.52% નોંધાયો.
ટીબી દર્દીઓને ₹43.9 કરોડની આર્થિક સહાય
ટીબીના દર્દીઓને તેમના દવાના ખર્ચ માટે નિક્ષય પોષણ યોજના હેઠળ ગુજરાત સરકારે 2024માં 1,18,984 દર્દીઓને ₹43.9 કરોડની નાણાંકીય સહાય આપી. નોંધનીય છે કે 1 નવેમ્બર 2024થી કેન્દ્ર સરકારે આ સહાયને ₹500માંથી વધારીને ₹1000 કરી છે.

નિક્ષય મિત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા
ગુજરાતમાં 10,682 નિક્ષય મિત્રોની નોંધણી થઈ છે, જેમના માધ્યમથી 3,49,534 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ અભિયાન ટીબીના દર્દીઓને સારા પોષણ અને આરોગ્ય સહાય પહોંચાડવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે.
100 દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાનમાં ગુજરાતની આગવી ભૂમિકા
7 ડિસેમ્બર 2024થી શરૂ થયેલા “100-દિવસીય સઘન ટીબી નાબૂદી અભિયાન” અંતર્ગત, ગુજરાતે અત્યારસુધીમાં 16 જિલ્લાઓ અને 4 મ્યુનિસિપલ કોર્પોરેશનને આવરી લીધા છે. આ અભિયાન અંતર્ગત 35.75 લાખ લોકોને ટીબીની તપાસ કરવામાં આવી, જેમાંથી 16,758 નવા ટીબી દર્દીઓની ઓળખ કરીને તેમની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ.
લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે સમજૂતી
6 માર્ચ 2025ના રોજ, ગુજરાત સરકારે લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ સાથે MoU કર્યો, જેના દ્વારા રાજ્યના તમામ ટીબી દર્દીઓને દર મહિને પોષણ કિટ પૂરી પાડવામાં આવશે. આ સમજૂતીથી, દર્દીઓને દત્તક લઈને તેમને યોગ્ય પોષણ અને આરોગ્ય સહાય આપવામાં આવશે.
ગુજરાતના આ પ્રયત્નો દેશને ટીબી મુક્ત બનાવવાની દિશામાં એક મોટો પડકાર છે. રાજ્ય સરકારના આ સતત પ્રયાસો ટીબી નિયંત્રણ અને નિવારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.



