Tapi District Development: તાપી જિલ્લાના જૂના બેજ ગામમાં વિકાસની નવી દિશા: રૂ. 759 લાખના હાઈલેવલ બ્રિજ અને રોડ કામગીરીનું ખાતમુહૂર્ત
Tapi District Development: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલા જૂના બેજ ગામ માટે એક નવો વિકાસ યुग શરૂ થયો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે અહીં રૂ. 759 લાખના ખર્ચે બનનારા હાઈલેવલ બ્રિજ અને માર્ગ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું.
આ મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમલમાં મૂકાયો છે. મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, બે વર્ષ અગાઉ તેમના પ્રવાસ દરમિયાન ગામના મૂળભૂત અભાવોને ધ્યાનમાં લઈ વિકાસની માંગ ઉઠી હતી, જેને મુખ્યમંત્રીએ તરત મંજૂરી આપી હતી.
પ્રોજેક્ટ હેઠળ કુકરમુંડાથી જૂના બેજ સુધીનો 3.92 કિલોમીટરના માર્ગ માટે અંદાજે ₹2.60 કરોડનો ખર્ચ થશે. સાથે સાથે, ₹4.76 કરોડના ખર્ચે 120 મીટર લાંબો અને 5.5 મીટર પહોળો મુખ્ય પુલ (મેઝર બ્રિજ) પણ બનાવાશે, જે ગામના લોકોએ વર્ષોથી કરેલી રાહ પૂરી કરશે.

ગામના વિકાસને વધુ વેગ આપવા માટે વીજળીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. DGVCL દ્વારા 4.2 કિમી લાંબી HT લાઇન પાંખી નાખવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 3.2 કિમી લાઈનમાં 105 વિજપોલ ઊભા કરવામાં આવી ચૂક્યા છે.
આ ઉપરાંત, આરોગ્ય અને કલ્યાણ સેવાઓના ભાગરૂપે ગામમાં 81 આયુષ્માન કાર્ડ, 19 ગેસ કનેક્શન, 50 આભા ID અને 134 બિનચેપી રોગોની તપાસ કરવામાં આવી છે.
આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ ગામવાસીઓ હવે નાવડીના ભરોસે નહીં રહે, તેઓ સીધા રસ્તે તાલુકા કે જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચી શકશે. આથી શિક્ષણ, આરોગ્ય, ખેતી અને રોજિંદી અવરજવરમાં સગવડતા મળશે અને સમગ્ર ગામનો જીવનસ્તર વધુ સકારાત્મક રીતે બદલાશે.



