Summer vacation extra ST buses : ઉનાળાના વેકેશનમાં મુસાફરો માટે ખુશખબર, ગુજરાતમાં દોડશે 1400 વધારાની ST બસો – જાણો ક્યાં રૂટ પર વધુ રહેશે ટ્રિપ્સ
Summer vacation extra ST buses : ઉનાળાની રજાઓનો આનંદ ઉઠાવવા તૈયાર ગુજરાતના નાગરિકો માટે ખુશખબર આવી છે. ગુજરાત સરકારએ એક ધમાકેદાર જાહેરાત કરી છે – હવે રજાઓ દરમિયાન મુસાફરી કરવી બની જશે ઘણી વધુ સરળ! એસટી નિગમ દ્વારા ખાસ આયોજન કરીને 1400થી પણ વધુ વધારાની બસ ટ્રિપ્સ દોડાવવાની તૈયારીઓ થઇ ગઈ છે. લોકોની વધતી માંગને જોઈને ST ફૂલ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરી ગયું છે. હવે ગમે ત્યાં ફરવા જવું હોય – બસ પકડો અને મજા માણો!
મોટાં શહેરો અને પ્રવાસી સ્થળો માટે વિશેષ વ્યવસ્થા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસટી નિગમે સુરતથી સૌરાષ્ટ્ર માટે 500, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત માટે 210, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત માટે 300 અને દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર માટે પણ 300 જેટલી ટ્રિપ્સનું આયોજન કર્યું છે.
આ ઉપરાંત અમદાવાદથી રાજયના લોકપ્રિય ધાર્મિક અને પર્યટન સ્થળો સુધીના દૈનિક રૂટ પણ નક્કી કરાયા છે, જેમાં નીચે મુજબની મુસાફરીઓનો સમાવેશ થાય છે:
અંબાજી, સોમનાથ, દ્વારકા: દૈનિક 10 ટ્રિપ્સ
ડાકોર, પાવાગઢ, ગિરનાર: દૈનિક 5 ટ્રિપ્સ
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા: દૈનિક 5 ટ્રિપ્સ
દિવ અને કચ્છ: દૈનિક 10 ટ્રિપ્સ
રાજ્યોની સરહદ પાર પણ થશે સફર
ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પડોશી રાજ્યો માટે પણ ખાસ બસોનું આયોજન થયું છે. તેમાં સામેલ છે:
માઉન્ટ આબુ અને સુંઢામાતા (રાજસ્થાન): દૈનિક 2 યાત્રાઓ
શિરડી, નાસિક, ધુળે (મહારાષ્ટ્ર): દૈનિક 2 યાત્રાઓ (ગીતા મંદિર બસ સ્ટેશનથી)

મુસાફરી સુલભ, આરામદાયક અને સમયસર બનાવવાનો પ્રયાસ
પરિવહન વિભાગ મુજબ દરેક ડેપોમાં આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેથી મુસાફરોને સમયસર અને સુરક્ષિત સેવા મળી રહે. આવું પ્રથમવાર નથી કે એસટી નિગમે આટલી મોટી સંખ્યામાં વધારાની બસો ચલાવવાનું આયોજન કર્યું હોય – પરંતુ આ વખતે તેમાં ધાર્મિક યાત્રાઓ અને પ્રવાસનને વધુ મહત્વ અપાયું છે.



