Spices Exports News: ગુજરાતના મસાલા ઉદ્યોગ માટે ખુશખબર: ઈંગ્લેન્ડની નિષ્ણાત ટીમ કરશે માર્ગદર્શન
Spices Exports News: ગુજરાતના મસાલા ઉત્પાદકો અને નિકાસકારો માટે સારા સમાચાર છે. મસાલાની ગુણવત્તા સુધારવા અને નિકાસ વધારવા ઈન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલ દ્વારા ખાસ પ્રયાસ હાથ ધરાયો છે. તાજેતરમાં એક વેબિનાર યોજાયો, જેમાં દેશભરના નિકાસકારોએ ભાગ લીધો હતો. આગામી સમયમાં બ્રિટનથી નિષ્ણાતોની ટીમ ગુજરાત આવી મસાલા ઉત્પાદકોને માર્ગદર્શન આપવાની શક્યતા છે.
ગુજરાતના મસાલાની વૈશ્વિક માંગ અને પડકારો
ઉત્તર ગુજરાતના મહેસાણા સહિત રાજ્યભરમાંથી જીરું, હળદર, મરી, મરચાં અને હિંગ જેવા મસાલાની મોટી નિકાસ થાય છે. યુકે અને અન્ય દેશોમાં ખાદ્યપદાર્થોની કડક ગુણવત્તા અને સેફ્ટી ધોરણોને કારણે ક્યારેક ભારતીય મસાલા પોર્ટ પર જ નકારી કાઢવામાં આવે છે. આ કારણે નિકાસકારોને કરોડોનું નુકસાન થાય છે.
મસાલા ઉદ્યોગ માટે ઇન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલનો પ્રયાસ
મસાલા ઉત્પાદકો અને નિકાસકારોને યોગ્ય માર્ગદર્શન આપવાના હેતુથી ઇન્ડો-બ્રિટિશ ટ્રેડ કાઉન્સિલ દ્વારા આયોજિત વેબિનારમાં, બ્રિટનની ડી મોનફોર્ટ યુનિવર્સિટી, વિરાણી ફૂડ, યૂકે ફૂડ સેફ્ટી વિભાગ અને કિલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ ભાગ લીધો હતો.
ગુજરાતના ખેડૂતો માટે ખાસ તક
આ વેબિનાર બાદ બ્રિટનના મસાલા આયાતકારો અને નિષ્ણાતોની ટીમ ભારતની મુલાકાત લેશે. ગુજરાતના મસાલા ઉત્પાદકોને સીધું માર્ગદર્શન મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ, મસાલાની ચકાસણી માટે ડિજિટલ હબ બનાવવાની યોજના પણ તૈયાર થઈ છે.

ભારત-યૂકે મસાલા વેપારની મોટી સંભાવનાઓ
દર વર્ષે 45 બિલિયન ડોલરની કિંમતના મસાલાની નિકાસ ઇંગ્લેન્ડમાં થાય છે. 2024-25માં, ભારતે વિશ્વભરમાં 45 અબજ ડોલરના મસાલાની નિકાસ કરી, જેમાં યૂકે સાતમા ક્રમે હતો. મસાલાની નિકાસમાં ચીન, અમેરિકા અને બાંગ્લાદેશ અગ્રણી છે.
આ ઉદ્યોગને વધુ પ્રોત્સાહન આપીને, ગુજરાતના મસાલા ઉત્પાદકો માટે વૈશ્વિક બજારમાં વધુ તકો સર્જી શકાય તેવી શક્યતા છે.



