school timing change Rajkot: રાજકોટમાં ઉકળતી ગરમી સામે તંત્ર સજાગ: ટ્રાફિક સિગ્નલ બંધ અને શાળાનો સમય બદલાયો
school timing change Rajkot: રાજકોટમાં આ ઉનાળાની સિઝનનું તાપમાન આજે 44.2 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જેને કારણે શહેરમાં તાપનું જ્વાળામુખી અનુભવાઈ રહ્યો છે. આવું તીવ્ર તાપમાન અને હીટવેવને ધ્યાનમાં રાખીને આજે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને “હિટવેવ એક્શન પ્લાન” અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ, શાળાઓ માટે સમયમાં ફેરફાર
શહેરમાં બપોર દરમિયાન ગરમીનો તીવ્રતાથી સામનો કરવો પડે છે. તેથી બેઠકમાં નિર્ણય લેવાયો કે બપોરના સમયમાં શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. સાથે જ તમામ સરકારી શાળાઓ જે બપોરની પાળીમાં ચાલે છે, તેમનો સમય સવારના સમયે કરાયો છે, જેથી વિદ્યાર્થીઓને ઉકળાટમાં અવરજવર કરવી ન પડે.
ORS અને છાશ વિતરણ માટે વિશેષ કેન્દ્રો શરૂ
શહેરના બજાર, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા સાથે ORS અને છાશ વિતરણ માટે વિશેષ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. આ સેવા સેવાભાવી સંસ્થાઓના સહયોગથી લાગુ કરવામાં આવી છે અને જરૂરિયાત મુજબ વધુ કેન્દ્રો પણ શરૂ કરાશે.

મજૂરો અને કારખાનાઓ માટે પણ માર્ગદર્શન
બાંધકામ સાઈટો, ફેક્ટરીઓ અને અન્ય સ્થળોએ બપોરના સમયગાળા માટે કામકાજમાં બદલાવ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી કામદારો હીટવેવથી બચી શકે.
આરોગ્ય ક્ષેત્રે પણ તકેદારી
ઝાડા, ઊલ્ટી, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાઓથી બચવા માટે તમામ આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં ORS, ઝીંક અને જરૂરી દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
વધુ વિભાગોને અપાઈ માર્ગદર્શિકા
કલેક્ટરના આદેશ પર જિલ્લાના વિવિધ વિભાગોને હીટવેવ સંબંધિત માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં આરોગ્ય, પોલીસ, શિક્ષણ, જીલ્લા પંચાયત, આર.ટી.ઓ., જી.એસ.આર.ટી.સી. અને વન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.



