Rishi Bapu Goes On A Fast : મોગલધામના ઋષિબાપુ ધર્મયુદ્ધ માટે ઉપવાસ પર:”કૃષ્ણનું અપમાન થયું છે, સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો નાશ થવો જોઈએ”
Rishi Bapu Goes On A Fast : સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અંગે કરાયેલી ટિપ્પણીને લઈને ભારે વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે મોગલધામ કબરાઉના ગાદીપતિ ઋષિબાપુએ ઉગ્ર પ્રતિક્રિયા આપતાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. સાથે જ તેમણે દેશભરના સાધુ-સંતોને આંદોલનમાં જોડાવા માટે આમંત્રિત કર્યા છે. ઋષિબાપુએ સ્પષ્ટ કર્યું છે કે કૃષ્ણનું અપમાન સહન કરવામાં નહીં આવે અને સનાતન વિરુદ્ધ લખાયેલા પુસ્તકોનો સંપૂર્ણ નાશ કરવો જરૂરી છે.
ઉપવાસ આંદોલનનો બીજો દિવસ
ઋષિબાપુ દ્વારા શરૂ કરાયેલા આંદોલનમાં અનેક સાધુ-સંતો અને ભક્તો જોડાયા છે. આજથી આંદોલનનો બીજો દિવસ છે. આગામી દિવસોમાં ઋષિબાપુ તડકામાં બેસીને ઉપવાસ કરી ધર્મયુદ્ધને વધુ તીવ્ર બનાવશે. તેઓએ ભુજના સ્વામિનારાયણ મંદિરમાં જઈ વિરોધ નોંધાવવાની પણ જાહેરાત કરી છે.
વિરોધમાં ભક્તોનો ઉમટશે ટેકો
ઋષિબાપુની માગણી છે કે સનાતન ધર્મ વિરુદ્ધ લખાયેલા તમામ પુસ્તકોનો નાશ કરવામાં આવે. તેમણે જણાવ્યું કે પ્રથમ બે દિવસ મોગલધામમાં રહી ઉપવાસ કરશે અને ત્યારબાદ સ્વામિનારાયણ ગુરુકુળમાં જઈ આંદોલન ચાલુ રાખશે. આના પગલે અનેક ભક્તો અને હિંદુ ધર્મના અનુયાયીઓએ તેમના આંદોલનને ટેકો આપવાની તૈયારી દર્શાવી છે. ઋષિબાપુએ સરકારને પણ ચેતવણી આપતા કહ્યું કે જો ભક્તો અને સંતો વધુ સંખ્યામાં ભેગા થાય તો કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારે લેવી પડશે.
“સનાતન ધર્મના વિરોધીઓને માતાજી રાક્ષસ કહે છે”
ઉપવાસ દરમિયાન ઋષિબાપુએ ભારપૂર્વક જણાવ્યું કે જે લોકો સનાતન ધર્મનો વિરોધ કરે છે, તેમને માતાજી રાક્ષસ ગણાવે છે. તેમણે કહ્યું કે, “જેણે કૃષ્ણનું અપમાન કર્યું છે, તે વિરુદ્ધ આંદોલન કરવું અમારી ફરજ છે. ભગવાન કૃષ્ણ, જેની આરતી ગવાય છે અને ભજન થાય છે, તેના અસ્તિત્વ પર શંકા કરવી અત્યંત નિંદનીય છે.”

“અભદ્ર શબ્દો હટાવવાના નહિ, પુસ્તકો જ નાશ કરવાના”
ઋષિબાપુએ કહ્યું કે હાલ જે ખોટા ગ્રંથો લખાયા છે, તેનો સંપૂર્ણ નાશ થવો જોઈએ. “અભદ્ર શબ્દો હટાવવાના નથી, પુસ્તક જ સળગાવી દેવાનું છે. આ કામ સરકારએ કરવું જોઈએ. જ્યારે કૃષ્ણનું અપમાન થાય છે, ત્યારે હું રહી શકતો નથી. ધર્મયુદ્ધ શરૂ થઈ ગયું છે.”
“સાધુ-સંતો આગળ આવો, નહીં તો સનાતન ધર્મ નષ્ટ થઈ જશે”
ઋષિબાપુએ દેશભરના તમામ સાધુ-સંતોને આંદોલનમાં જોડાવાની અપીલ કરતા કહ્યું કે “જો આપણે આજે નહિ લડીએ, તો સનાતન ધર્મનુ અસ્તિત્વ ખતરામાં મુકાઈ જશે. આ ધર્મયુદ્ધ છે અને તે ચાલુ જ રહેશે. હું મોગલધામમાં બે દિવસ ઉપવાસ કરીશ અને પછી બહાર જઈ આંદોલનને વધુ તીવ્ર બનાવીશ.”
વિવાદ શાથી શરૂ થયો હતો?
સ્વામી નીલકંઠ ચરણદાસજી દ્વારા દિધેલા નિવેદનને આહીર સમાજે દ્વારકાધીશ શ્રીકૃષ્ણ વિરુદ્ધ અનાદરજનક ગણાવ્યું. નિવેદનમાં તેમણે કહ્યું હતું કે “દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું.”
આ નિવેદનથી ભડકેલા લોકો કૃષ્ણના અસ્તિત્વ સામે શંકા ઊભી કરવાના પ્રયાસને સહન ન કરી શક્યા અને વિવાદ શરુ થયો.
હવે જોવાનું એ રહ્યું કે ઋષિબાપુના આંદોલનને કેટલી જનસમર્થન મળે છે અને સરકાર કે ધર્મગુરૂઓ આ મુદ્દે શું પગલાં ભરે છે.



