Registration For Amarnath Yatra: સુરતમાં અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનમાં અવ્યવસ્થા: ભક્તોએ કર્યો વિરોધ, માત્ર 25નું જ થયું રજિસ્ટ્રેશન
Registration For Amarnath Yatra: સુરત સહિત ગુજરાતના અન્ય શહેરોમાં પવિત્ર અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનના પ્રથમ દિવસે જ શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. યાત્રા માટે 15 એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે, જે યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી યોજાવાની છે.
સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંક બહાર રાત્રિથી જ શ્રદ્ધાળુઓ લાઇનમાં ઊભા હતા. આશરે 500થી વધુ યાત્રિકોએ વહેલી સવારથી પોતાની જાગ્યા સંભાળી હતી, પરંતુ બેંક દ્વારા ફક્ત 25 લોકોને જ રજિસ્ટ્રેશન આપવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો. દરરોજ 100 રજિસ્ટ્રેશન કરવાની વાત છતાં પ્રથમ દિવસે માત્ર 25 જ રજિસ્ટ્રેશન થયાં હોવાનું ભક્તોએ આક્ષેપ કર્યો.

ભક્તોએ બેંક સામે સૂત્રોચ્ચાર કર્યા અને આ વ્યવસ્થાને કારણે પ્રશ્ન ઊભો કર્યો કે બાકીના 75 રજિસ્ટ્રેશન કોને આપવામાં આવશે? શું એ વેચાશે કે ભળતિયાઓને અપાશે? શ્રદ્ધાળુઓએ આવું ષડયંત્ર હોવાનું માનીને વિરોધ નોંધાવ્યો.
રાજકોટની યસ બેંકમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી. અહીં 200થી વધુ યાત્રિકોએ મધરાતથી કતાર લગાવી હતી, પણ સર્વર ડાઉન હોવાના કારણે કોઈનું રજિસ્ટ્રેશન થઈ શક્યું નહીં. ભક્તો દ્વારા સરકારને માંગ કરવામાં આવી છે કે આવા અવ્યવસ્થિત પ્રબંધ સામે કડક પગલાં લેવા જોઈએ.



