Rain Basera Scam Gujarat: ડીસામાં રેનબસેરા કૌભાંડ: 36 લાખની રકમ ચૂકવી, શેલ્ટર તો બન્યાં નહીં
Rain Basera Scam Gujarat: ડીસા શહેરમાં રેનબસેરા યોજના હેઠળનો મોટો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. 2019થી 2023-24 દરમ્યાન મંજૂર થયેલા 10 રેનબસેરામાંથી જમીન પર કોઈપણ નિર્માણ ન થવા છતાં અંદાજે ₹36 લાખની રકમ ચૂકવાઈ હોવાનો ખુલાસો થતાં તંત્ર દોડતું થયું છે. તાત્કાલિક રીતે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારી (TDO) જય ચૌધરીને તપાસનું નિર્દેશ આપ્યું છે. આ મામલે 4 દિવસમાં રિપોર્ટ રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે.
રેનબસેરા યોજનાનો હેતુ ભુલાઈ ગયો?
રાજ્ય સરકાર દ્વારા ગરીબ, શ્રમિક અને મુસાફરો માટે છાવણીના ધ્યેયથી શરૂ કરાયેલી રેનબસેરા યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં 10 સ્થળો પર નિવાસગૃહોની યોજના મંજૂર કરવામાં આવી હતી. આ માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા કુલ ₹36 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી. જોકે માહિતીના હક હેઠળ થયેલી તપાસમાં બહાર આવ્યું છે કે, ઘણા સ્થળોએ તો એક પણ પથ્થર ન પડ્યો હોવા છતાં રકમ ચુકવાઈ ચૂકી છે.
કેટલાંક સ્થળોએ બનાવટ કેવળ શેડ સુધી મર્યાદિત
તપાસમાં જાણવા મળ્યું છે કે કેટલાક સ્થળોએ મૂળ રેનબસેરાની જગ્યાએ માત્ર સામાન્ય શેડ ઉભા કરવામાં આવ્યા છે. તદુપરાંત યોજના અમલ માટે અગાઉ TDO ને જવાબદાર નિમવામાં આવ્યા હતા, જ્યારે 2024ની યોજના માટે ચીફ ઓફિસરને અમલીકરણ અધિકારી તરીકે નિમણૂક અપાઈ હતી.
અધિકારીઓ હરકતમાં, TDO તરફથી તપાસ શરૂ
કૌભાંડના ખુલાસા બાદ ડીસાના TDO જય ચૌધરીએ તપાસ માટે ટીમ ગઠિત કરી છે. TDO એ જણાવ્યું કે, “અમારી ટીમ ચાર દિવસમાં સ્થળ પર જઈને સંપૂર્ણ રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂ કરશે. જો ગ્રાન્ટનો દુરુપયોગ થયો હોવાનું જણાશે તો જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.”
લોકોને ન્યાયની અપેક્ષા, વિપક્ષની ચિમકી
વિપક્ષના નેતા જગદીશ પથ્થરવાલાએ જણાવ્યું કે, “રેનબસેરા માત્ર કાગળ પર છે. આ યોજના ગરીબો માટે છે, અને તેમાં જે લોકો સામેલ છે તેમની સામે જો તાત્કાલિક પગલાં ન લેવાય તો નાગરિકો સાથે મળીને આંદોલન કરવામાં આવશે.”
સ્થાનિક લોકોએ પણ તત્કાલીન TDO, ચીફ ઓફિસર, એન્જિનિયર અને સંકળાયેલા કર્મચારીઓ સામે ફોજદારી કેસ દાખલ કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.