Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી મોડાસા તરફ રવાના: દિલ્હી પહેલા ગુજરાત સંગઠન સૃજન અભિયાનની કરશે શરૂઆત
Rahul Gandhi Gujarat Visit: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે મેદાન ગરમાવવાની શરૂઆત કરી દીધી છે. એ અંતર્ગત પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી હાલ બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે વહેલી સવારે તેઓ અમદાવાદથી મોડાસા તરફ રવાના થયા છે. અહીં તેઓ કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનનો શુભારંભ કરશે અને વિવિધ પાર્ટી નેતાઓ સાથે સંવાદ સાધશે.
મોડાસામાં અધ્યક્ષતા કરશે કોંગ્રેસના કાર્યક્રમોની
રાહુલ ગાંધી સવારે મોડાસા પહોંચશે અને ત્યાંના સિનિયર કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક કરશે. ત્યારબાદ તેઓ જિલ્લાના સંગઠન અભિયાન સંમેલનમાં હાજરી આપશે. તમામ કાર્યક્રમો માટે અરવલ્લી જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

રાહુલ ગાંધીનો આજનો કાર્યક્રમ આ મુજબ રહેશે:
સમય કાર્યક્રમ
10:30–11:00 AM સિનિયર કોંગ્રેસી નેતાઓ સાથે બેઠક
11:15–12:15 PM જિલ્લા કોંગ્રેસના સંમેલનમાં હાજરી
1:00 PM મોડાસાથી પાછા અમદાવાદ માટે રવાના
3:00 PM અમદાવાદ પહોંચશે
3:40 PM એર ઈન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી માટે રવાના
ગુજરાત કોંગ્રેસમાં ચુસ્ત તૈયારી: જિલ્લાવાર નિરીક્ષકોની નિમણૂંક
ગઈકાલે રાહુલ ગાંધીએ અમદાવાદમાં બેઠકો યોજી હતી જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી જિલ્લા નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. દરેક જિલ્લામાં એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર સ્થાનિક નિરીક્ષકો કાર્યરત રહેશે. આ તમામ નિરીક્ષકો 23 એપ્રિલથી 8 મે સુધી વિવિધ જિલ્લાઓની મુલાકાત લેશે અને 10 દિવસની અંદર પાર્ટી હાઈકમાન્ડને રિપોર્ટ આપશે. ત્યારબાદ 31 મે સુધીમાં નવા જિલ્લા પ્રમુખોની નિમણૂંક થશે.



