PM SVANidhi Scheme Gujarat : પીએમ સ્વાનિધિ યોજનાના 5 વર્ષ: ગુજરાતમાં 4.79 લાખ શેરી વિક્રેતાઓએ આર્થિક સ્વાવલંબનની યાત્રા શરૂ કરી
PM SVANidhi Scheme Gujarat : પીએમ સ્વનિધિ યોજના ભારતમાં નાના અને શેરી વિક્રેતાઓ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. ગુજરાતમાં આ યોજનાનું અમલીકરણ અત્યંત સફળ થયું છે અને રાજ્યમાં અત્યાર સુધી 4,79,141 વિક્રેતાઓને લોન અને નાણાકીય સહાય મળી છે, જેને કારણે તેઓ આત્મનિર્ભર બન્યા છે.
નવેમ્બર 2024 માં કેન્દ્ર સરકારે ગુજરાતના લક્ષ્યાંકને 5.20 લાખ વિક્રેતાઓ સુધી વધાર્યો હતો, જેમાંથી રાજ્યએ આશરે 92.14 ટકા હાંસલ કર્યા છે. ગુજરાત હવે દેશમાં આ યોજનાના અમલીકરણમાં ચોથા સ્થાને છે. કેન્દ્ર સરકાર તરફથી ₹30.47 કરોડની વ્યાજ સબસિડી પણ રાજ્યને મળી છે, જેનાથી વિક્રેતાઓ પર લોનનો બોજ ઓછો થયો છે.

રાજ્ય સરકાર દ્વારા વિવિધ ડિજિટલ સાક્ષરતા કાર્યક્રમો અને લોન વિતરણ શિબિરોનું આયોજન કરીને વિક્રેતાઓને ઝડપી અને સરળ સહાય પૂરી પાડવામાં આવી છે. ડિજિટલ વ્યવહારો મારફતે વિક્રેતાઓને ₹15.87 કરોડથી વધુ કેશબેક મળ્યો છે, જેનાથી તેમની આવકમાં વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં, ગુજરાતની સ્થાનિક શહેરી સંસ્થાઓ અને બેંકો સાથે સમન્વય કરીને વિક્રેતાઓ માટે વ્યાપક નાણાકીય સમાવેશ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ પ્રયાસોએ ગુજરાતને દેશના અગ્રણી રાજ્યોમાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

આ સફળતા ગુજરાતની શેરી વિક્રેતાઓને વધુ મજબૂત અને સુસ્થિર વ્યવસાય માટે સજ્જ કરતી એક મોટી પહેલ છે, જે રાજ્ય અને દેશના અર્થતંત્ર માટે લાભદાયક સાબિત થશે.



