PM Modi Surat Visit: સુરતમાં સાયકલ સવારને મારનાર PSI પર કાર્યવાહી, એક વર્ષ માટે પગાર વધારો અટકાવ્યો
PM Modi Surat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 7 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગુરૂવારે PM મોદીના કાર્યક્રમના રિહર્સલ દરમિયાન એક બાળક ભૂલથી રોડ સાયકલ લઇને રોડ પરથી પસાર થવા લાગે છે, ત્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા બાળકને વાળ ખેંચી માર મારતો વીડિયો વાયરલ થયો હતો. તે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કડક પગલાં ભરવામાં આવ્યા છે અને તેમના પગારનો એક વર્ષનો ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટીસ પાઠવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વીડિયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તે મોરબી જિલ્લામાંથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા. સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી તેમને પરત મોકલી આપ્યા છે. જ્યારે મોરબી પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવી સામે સખત પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીના પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટીસ પાઠવવામાં આવી છે.
સામાજિક કાર્યકરે કરી હતી કાયદાકીય કાર્યવાહીની માંગ
આ ઘટનાને લઇને હિતેશ બી જાસોલિયા નામના સામાજિક કાર્યકરે ડી.જી.પી. અને ગૃહમંત્રીને ઇમેલ કરી જણાવ્યું હતું કે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે તારીખ 7 માર્ચ 2025 ના રોજ ભારત દેશના વડાપ્રધાન સુરત આવી રહ્યા છે, ત્યારે તેના પ્રોટોકોલ મુજબ સુરત પોલીસ રીહર્સલ કરી રહી હતી. આ દરમિયાન કોઈ એક બાળક સાયકલ લઈને તે રોડ પર ભૂલમાં પસાર થઈ થયો હતો.
તે દરમિયાન હાજર પોલીસ દ્વારા બાળકને જાહેરમાં માર મારવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે કાયદાનું ઉલંઘન થતું હોય તેવું લાગી રહ્યું છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરી જવાબદાર પોલીસ કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી.



