PM Awas Yojana Scam Ahmedabad: અમદાવાદમાં પીએમ આવાસ યોજનાના નામે મોટું કૌભાંડ! માત્ર ₹50,000માં ફેક પોઝેશન લેટર આપી મકાન હથિયાવાની ફરિયાદો
PM Awas Yojana Scam Ahmedabad: ચાંદલોડિયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલ મકાનોની ફાળવણીમાં કથિત કૌભાંડ બહાર આવ્યું છે. માત્ર 50,000 રૂપિયામાં બનવટી પોઝેશન લેટર આપીને બે શખ્સોએ અનેક લોકોને ફસાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. Ahmedabad Municipal Corporation (AMC)ના અધિકારીઓ દ્વારા 21 નકલી પોઝિશન લેટર પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.
કેસની વિગતો
સોલા પોલીસ મથકે Town Planning Inspector અમિતભાઈ ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, ચાંદલોડિયામાં આર્થિક રીતે નબળા વર્ગ માટે જે 1736 આવાસ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાંથી 1372 ઘરનાં અધિકૃત પોઝિશન લેટર જારી કરવામાં આવ્યા હતા, જ્યારે બાકી રહેલા 364 ઘરો હજુ ફાળવવાના બાકી છે.
ત્રણ દિવસ પહેલા AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને ખબર પડી કે ઘાટલોડિયાની ગીરીરાજ સોસાયટીમાં રહેતા કિશનલાલ ધનરાજ નામના શખ્સે બ્લોક નંબર 17નો ફ્લેટ પોઝેશન લેટર દ્વારા મેળવી લીધો છે. તપાસ હાથ ધરતાં માલુમ પડ્યું કે તે લેટર નકલી હતું અને તે જેવી બીજી 21 જેટલી ફાઈલ પણ મળી આવી છે.

ફસાવાયેલા લોકો મકાનમાં રહેવા પણ લાગી ગયા!
આ પોઝિશન લેટરોના આધારે કેટલીક વ્યક્તિઓને મકાનની ચાવીઓ આપવામાં આવી ગઈ હતી અને કેટલાંક પરિવારો ત્યાં રહેવા પણ લાગી ગયા હતા. આ મુદ્દે પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ‘વિપુલ’ અને ‘સૈયદ’ નામના બે શખ્સોએ પોતાને પીએમ આવાસ યોજના સાથે સંકળાયેલા અધિકારી તરીકે ઓળખાવી હતી અને ફેક પત્રો આપી લોકોને છેતર્યા હતા.
કેમ ચાલતું હતું કૌભાંડનું રેકેટ?
PI કે.એન. ભુકાણે માહિતી આપતાં જણાવ્યું કે વિપુલ પીડિતો શોધવાનું કામ કરતો હતો. જ્યારે કોઇ સસ્તું મકાન માંગે, ત્યારે તે તેમને સૈયદ સાથે મળાવી દેતો અને બંને મળીને નકલી પોઝિશન લેટર આપીને નાણાં વસૂલતા હતા.
હાલ સોલા પોલીસે ગુનો નોંધી લાઈન ઓફ ઈન્ક્વાયરી શરૂ કરી છે. અધિકારીઓના મતે, આ સમગ્ર કૌભાંડ ખૂબ જ વિસ્તૃત હોઈ શકે છે અને વધુ લોકોથી છેતરપિંડી થઈ હોવાની શકયતા છે.



