Passport New Rules : પાસપોર્ટ માટે અરજી કરતા પહેલા આ મહત્વની જાણકારી વાંચી લો, નહીંતર પડી શકે મુશ્કેલી!
Passport New Rules : ગુજરાતીઓમાં વિદેશ જવાની તીવ્ર ઇચ્છા જાણીતી છે, અને એ માટે પાસપોર્ટ એ મહત્વનો દસ્તાવેજ છે. હવે, નવો પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયામાં મોટા ફેરફાર થયા છે. જો તમારા વિરુદ્ધ નાનો કે મોટો કોઈ ગુનો નોંધાયો હશે, તો તમારો નવો પાસપોર્ટ માત્ર એક વર્ષ માટે જ માન્ય રહેશે. વધુમાં, વિદેશ યાત્રા માટે તમને કોર્ટની મંજૂરી લેવી પડશે.
જો કોઈ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માંગે છે, તો આ નિયમ ત્યાં પણ લાગુ પડશે. ભૂતકાળમાં મોટા કૌભાંડો કરીને કે ગુનાઓ આચરીને અનેક લોકો વિદેશ ભાગી જતાં હતા, પરંતુ હવે કેન્દ્ર સરકારે પાસપોર્ટ નિયમોમાં ફેરફાર કરીને આવી પરિસ્થિતિ રોકવા માટે પગલા લીધા છે.
નવા નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિએ નાનો કે મોટો ગુનો કર્યો છે, તો તેને ફક્ત એક વર્ષ માટે જ પાસપોર્ટ આપવામાં આવશે. અગાઉ દરેક વ્યક્તિને 10 વર્ષ માટે પાસપોર્ટ મળતો, પરંતુ હવે પોલીસ વેરિફિકેશન દરમિયાન ગુનાની વિગતો ઉમેરવી પડશે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિએ પાસપોર્ટ માટે કોર્ટમાં અરજી કરવી પડશે અને રૂપિયા 50,000થી 2 લાખ સુધી ડિપોઝિટ કરવું પડશે. પાસપોર્ટ મળ્યા બાદ તે એક અઠવાડિયામાં કોર્ટમાં જમા કરાવવો પડશે, જે બાદ ડિપોઝિટની રકમ પરત મળશે.
તાજેતરમાં જાહેર થયેલા 2025 હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, ભારતનો પાસપોર્ટ 80મા સ્થાને છે. 193 દેશોમાં પ્રવેશ સાથે સિંગાપોર પ્રથમ ક્રમે છે, જ્યારે જાપાન અને દક્ષિણ કોરિયા બીજા સ્થાને છે. ત્રીજા ક્રમે ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી અને સ્પેન જેવા દેશો છે, જેમને 189 દેશોમાં પ્રવેશ મળી શકે છે.
આ નવા પાસપોર્ટ નિયમોથી હવે વિદેશ જવા માંગતા નાગરિકોએ ખાસ ધ્યાન રાખવું પડશે.