Musical Instruments Distribution: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભજન મંડળીઓને વિતરણ કર્યા સંગીત સાધનો
Musical Instruments Distribution: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનો વિતરણ કર્યા. આ કાર્યક્રમનું આયોજન કુસુમ્બા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું, જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની માતાની સ્મૃતિમાં કાર્યરત છે.
ભજન અને સંસ્કૃતિનું મહત્વ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ ‘વિકાસ તેમજ વારસો’ ના વિચારને સાકાર કરવામાં ભજન અને કીર્તન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શિવાજી મહારાજની માતા જીજાબાઈના વીરતાભર્યા ગીતો યાદ કરતા તેમણે ઉલ્લેખ કર્યો કે આ ભૂમિની માતાઓએ આવા ગીતો દ્વારા બહાદુર પુત્રોના ઉછેરમાં યોગદાન આપ્યું છે.
તેમણે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહની માતાઓને શ્રદ્ધાંજલિ આપી, જેમણે દેશના નિર્માણમાં મૂલ્યવાન ફાળો આપ્યો. કલમ 370 દૂર કરવાની પાછળ પણ આવા માતાપિતાની સંસ્કારી દ્રષ્ટિ હતી, એમ તેમણે જણાવ્યું.
મુખ્યમંત્રીએ રાષ્ટ્ર નિર્માણ માટે કરી અપીલ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે શરીરની જેમ, ભજન મન અને હૃદય માટે પણ શક્તિરૂપ છે, જે માનસિક શાંતિ અને સુખ શાંતિ પ્રદાન કરે છે. તેમણે ‘માતાના નામે એક વૃક્ષ’, અને સ્વચ્છતા અભિયાન જેવી પ્રધાનમંત્રી પ્રેરિત પહેલોમાં જોડાવા માટે લોકોને અપીલ કરી.
તેમણે ‘કેચ ધ રેઈન’ અભિયાન હેઠળ ખાનગી સોસાયટીઓને પાણી સંરક્ષણ અને સિંચાઈ માટે પ્રેરિત કરવાની જોગવાઈ બજેટમાં 80:20 ના ગુણોત્તર સાથે કરવામાં આવી હોવાનું જણાવ્યું. આ ઉપરાંત, સ્વચ્છતા અભિયાન માટે દરેક નાગરિકે પોતાને જ જવાબદાર માની પ્રારંભ કરવો જોઈએ, જેથી રાષ્ટ્રવ્યાપી બદલાવ લાવી શકાય.

વિકસિત ગુજરાત માટે સંકલ્પ
મુખ્યમંત્રીએ વિકસિત ભારત 2047 ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા વિકસિત ગુજરાત તરફ પ્રગતિ માટે સૌને અપીલ કરી. આ પ્રસંગે અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલ, મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ઘાટલોડિયા વિસ્તારની ભજન મંડળીઓની બહેનો મોટી સંખ્યામાં હાજર રહી, અને સંગીત સાધનો મેળવતા આનંદ અનુભાવ્યો.



