MNREGA scam Gujarat: મંત્રી બચુ ખાબડના બીજા દીકરાની ધરપકડ, રૂ. 71 કરોડના કૌભાંડમાં પોલીસની કાર્યવાહી તેજ
MNREGA scam Gujarat: દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા આર્થિક કૌભાંડ મામલે હવે બીજી મોટી ધરપકડ થઈ છે. રાજ્યના કૃષિ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડના નાનો પુત્ર કિરણ ખાબડને દાહોદ પોલીસે આજે વહેલી સવારે વડોદરા-હાલોલ હાઇવે પરથી ઝડપી પાડ્યો છે. હાલમાં પોલીસ કિરણ સહિત અન્ય બે આરોપીઓની પૂછપરછમાં વ્યસ્ત છે.
આ પહેલા કિરણના મોટા ભાઈ બળવંત ખાબડને પણ આ જ કૌભાંડના સંબંધમાં ઝડપવામાં આવ્યો હતો. કિરણની ધરપકડ સાથે પોલીસની કાર્યવાહી વધુ જળવાઈ રહી છે, જેમાં દેવગઢ બારિયા તાલુકાના સહાયક કાર્યક્રમ અધિકારી દિલિપ ચૌહાણ અને ધાનપુર તાલુકાના વિકાસ અધિકારી રાઠવાને પણ પોલીસે પકડ્યા છે.
કરોડોની ઠગાઈના પર્દાફાશ
તપાસમાં બહાર આવ્યું છે કે દેવગઢ બારિયા, રેઢાણા અને સીમામોઇ સહિતના ગામોમાં વર્ષ 2021થી 2025 દરમિયાન મનરેગા યોજના હેઠળના કામોમાં ભ્રષ્ટાચાર થયો હતો. કાગળ પર કામ પૂરા થયાના પ્રમાણપત્રો રજૂ થયા હતા, પરંતુ જમીન પર કોઇ કામ ન થયું હોવા છતાં કરોડો રૂપિયાના બિલો પસાર કરવામાં આવ્યા હતા.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી સરકારે જે નાણાં જનકલ્યાણ માટે ફાળવ્યા હતા, તે નાણાં ખોટા દસ્તાવેજો તથા અયોગ્ય એજન્સીઓ દ્વારા ઠગાઈથી ઉપાડી લેવાયા હતા.
71 કરોડનું બહાર આવેલું કૌભાંડ
અહિયાં તે વાત નોંધપાત્ર છે કે માત્ર ત્રણ ગામોની નક્કી થયેલી તપાસમાં દેવગઢ બારિયામાં ₹60.90 કરોડ અને ધાનપુર તાલુકામાં ₹10.10 કરોડની ગેરરીતિ સામે આવી છે. આમ કુલ ₹71 કરોડથી વધુના ભ્રષ્ટાચારના આંકડા સામે આવતા હવે સમગ્ર જિલ્લામાં એવા કેટલા કિસ્સાઓ છુપાયેલા છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

વધુ ધરપકડ અને SIT દ્વારા તપાસ
દાહોદ પોલીસે હાલ અત્યાર સુધી કુલ ચારથી વધુ અધિકારીઓની ધરપકડ કરી છે, જેમાં તાત્કાલિક કામગીરી હેઠળ તટસ્થપણે તપાસ હાથ ધરવા માટે વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમે કુલ 35 જેટલી માલસામાન સપ્લાય કરનારી એજન્સીઓ સામે પણ ગુનાઓ નોંધાવ્યા છે.
તાલુકા પંચાયતના એકાઉન્ટ આસિસ્ટન્ટ જયવીર નાગોરી, ગ્રામ રોજગાર સહાયક મહિપાલસિંહ ચૌહાણ, તથા અન્ય બે આરોપી ફુલસિંહ રમેશ અને મંગળસિંહ પટેલીયાની પણ ધરપકડ કરવામાં આવી છે.
કૌભાંડ ઊંડું અને વ્યાપક
નકલી કાગળો, બિનપાત્ર એજન્સીઓ, અને સરકારી અધિકારીઓ વચ્ચે સંકલનથી આ કૌભાંડ અનેક વર્ષોથી ચાલતું હતું. હવે જ્યારે મનરેગાની કામગીરીના બિલ અને જમીનપરની વાસ્તવિક સ્થિતિ વચ્ચેના ફેર સામે આવી રહ્યા છે, ત્યારે શંકા છે કે આવનારા સમયમાં વધુ મોટા નામો અને આરોપીઓ બહાર આવી શકે.



