Machhu-2 Dam : મચ્છુ-2 ડેમના દરવાજા ખોલાતા 29 ગામોને એલર્ટ, મોરબીમાં વહીવટીતંત્ર સતર્ક
Machhu-2 Dam : રાજ્યના જૂના અને નબળા બંધોને મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે વિવિધ વિસ્તારોમાં નવીનીકરણની કામગીરી શરૂ કરી છે. એ જ ભાગરૂપે મોરબી જિલ્લામાં આવેલા મચ્છુ-2 ડેમના સમારકામ માટે મંજૂરી મળ્યા બાદ વહીવટીતંત્રે તાત્કાલિક પગલાં લીધાં છે. ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલીને પાણી છોડવામાં આવ્યું છે, જેના પગલે નજીકના 29 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
પાણી છોડવાની પ્રક્રિયા શરૂ
મચ્છુ-2 ડેમમાંથી પ્રારંભિક તબક્કામાં 1,300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને આવતીકાલે ધીમે ધીમે વધારીને 3,500 ક્યુસેક સુધી લઈ જવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડેમના બે દરવાજાઓનું સમારકામ તથા બદલાવ આવશ્યક બનતાં તેમને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
આ ગામો રાખશે વિશેષ સાવચેતી
મોરબી તાલુકાના 20 ગામો અને માળિયા તાલુકાના 9 ગામો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. નદીના કાંઠે વસેલા ગામોમાં નાની મોટી ઘટનાઓ ટાળવા માટે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોના જમાવડા અને અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે.

એલર્ટ પર મુકાયેલા કેટલાક મુખ્ય ગામો:
મોરબી તાલુકા: જોધાપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, ગોરખીજડીયા, જુના અને નવા સાદુલકા, માનસર, ગુંગણ, નારણકા વગેરે.
માળિયા તાલુકા: વીરપરડા, દેરાળા, નવગામ, મેધાપર, હરીપર, સોનગઢ, મહેન્દ્રગઢ વગેરે.
રહેવાસીઓને સૂચનાઓ આપવામાં આવી
વહીવટીતંત્રએ સ્પષ્ટ સૂચના આપી છે કે નદી કિનારાની નજીક ન જવાનું અને સલામતીના દિશાનિર્દેશોનું પાલન કરવું અનિવાર્ય છે. મચ્છુ નદીમાં પાણીનું સ્તર વધતું હોવાથી આ ગામોના રહેવાસીઓને જરૂર પડતાં ઊંચાણવાળા વિસ્તારોમાં ખસેડવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
પીવાનું પાણી બની શકે ચિંતાનું કારણ
ડેમ ખાલી થતા મોરબી શહેરના પીવાના પાણીના પૂરવઠા પર પણ અસર પડી શકે છે. જેથી પાણીનો વ્યય ટાળવો અને સાચવવું હાલની પરિસ્થિતિમાં ખૂબ મહત્વપૂર્ણ બની ગયું છે.



