Junagadh news : વૃદ્ધોની સેવા માટે 1 કરોડનો બંગલો વેચ્યો: પગ ધોઈ આરતી કરીને અપાય છે આશ્રમમાં પ્રવેશ
Junagadh news : “માનવ સેવા એજ પ્રભુ સેવા” એ અવકાશમાં નહીં, પરંતુ જમિન પર જીવાતી હકીકત છે, અને તે સાબિત કરી છે પિયુષ આડતીયાએ. પોતાના માતા-પિતાની છાયાવિહોણી કરુણતા અનુભવી, પિયુષ આડતીયાએ વડીલોની સેવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું. તેમણે 1 કરોડ રૂપિયાનું બંગલો વેચીને “મન વૃદ્ધાશ્રમ”ની સ્થાપના કરી, જ્યાં વડીલોને ઘરની જેમ પ્રેમ અને સંભાળ મળે.
માતાપિતાના વિયોગથી ઉદ્ભવેલી માનવસેવાની ચેતના
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના નાનકડા કોટડા ગામમાં જન્મેલા પિયુષ મનસુખભાઈ આડતીયા માટે જીવન એક દુઃખદ અનુભૂતિ સાથે શરૂ થયું. બાળપણમાં જ માતા-પિતા ગુમાવી, તેમનામાં વડીલો પ્રત્યે અનન્ય લાગણી ઉદ્ભવી. આ લાગણીને સમર્પણમાં ફેરવતાં, તેમણે “માવતર વૃદ્ધાશ્રમ”ની મુલાકાત લીધી અને વડીલો માટે ધાર્મિક યાત્રાઓનું આયોજન શરૂ કર્યું. છેલ્લા 11 વર્ષમાં તેઓ 660થી વધુ વડીલોને પવિત્ર સ્થળોની યાત્રા કરાવી ચૂક્યા છે.
વડીલો માટે બંગલો ત્યાગી, આશ્રમની સ્થાપના
માનવસેવાના ભાવ સાથે જીવી રહેલા પિયુષ આડતીયાએ હવે જીવનનું પરમ ઉદ્દેશ્ય નક્કી કર્યું – વડીલોની સેવા! જૂનાગઢના ઝાંઝરડા રોડ પર પોતાનો 1 કરોડ રૂપિયાનો બંગલો વેચી, બાયપાસ રોડ પર “મન વૃદ્ધાશ્રમ”ની સ્થાપના કરી. આ વૃદ્ધાશ્રમ આજે 20થી વધુ વડીલ માતાઓનું નવું ઘર બની ચૂક્યું છે, જ્યાં તેઓ શાંતિથી જીવનની અંતિમ પળો વિતાવી શકે.

વડીલો માટે ઘરની જેમ સંભાળ
આશ્રમમાં રહેનારા વડીલોને સવારનો ચા-નાસ્તો, બપોર અને સાંજનું ભોજન, સાથે જ શાંત અને પ્રાકૃતિક વાતાવરણ મળી રહે છે. અહીં ચોપડા, બાગ-બગીચા અને આધ્યાત્મિક પર્યાવરણ વડીલોને શાંતિ આપે છે.
કળિયુગનો શ્રવણકુમાર
આશ્રમમાં રહેતા વડીલોએ કહ્યું, “પિયુષ આડતીયા તો કળિયુગના શ્રવણકુમાર સમાન છે. અહીં આપણે જિંદગીની સૌથી સુખદ પળો જીવીએ છીએ. અહીં ઘર કરતાં પણ વધુ શાંતી અને સંભાળ મળે છે, અને ઘરની યાદ પણ નથી આવતી.”
પિયુષ આડતીયાએ માત્ર વડીલોની સેવા નહીં, પણ માનવસેવાનો જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાજ માટે તેઓ એક પ્રેરણાસ્ત્રોત બની ચૂક્યા છે, જે બતાવે છે કે સાચી સમૃદ્ધિ સંપત્તિમાં નહીં, પણ સંસ્કારમાં અને પરોપકારમાં છે.



