Junagadh: 25 ફૂટ ઊંડા બોરવેલમાં પડ્યું બાળક, રેસ્ક્યૂ ટીમ આવે તે પહેલા ગામલોકોએ બચાવ્યું
Junagadh: જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પરબ વાવડી ગામે આજે બપોરે ચાર વાગ્યાના સમયે મધ્યપ્રદેશથી ખેતરે કામ કરવા આવેલા મજૂરનું બાળક રમતા રમતા અચાનક બોરવેલમાં પડી ગયું. આ ઘટનાની જાણ થતાં જ ગામલોકોએ તરતજ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. બાળક અંદાજે 20 થી 25 ફૂટ ઊંડે ફસાઈ ગયું હતું, પરંતુ ગામલોકોના સાહસ અને તાત્કાલિક નિર્ણય લીધા મુજબ JCB દ્વારા ખાડો ખોદી બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું.
JCBની મદદથી તાત્કાલિક બચાવ કામગીરી
પરબ વાવડી ગામે મજૂર પરિવાર ખેતરે કામ કરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની. બાળક બોરવેલમાં પડી જતાં તેના પિતાએ તરતજ વાડી માલિકને જાણ કરી. વાડી માલિક, સરપંચ અને ગામલોકોએ તુરંત JCB સાથે ઘટના સ્થળે દોડી આવ્યા અને બચાવ કામગીરી હાથ ધરી. 20 થી 25 ફૂટ ઊંડે ફસાયેલા બાળકને બચાવવા માટે બોરવેલની બાજુમાં ખાડો ખોદવામાં આવ્યો હતો.
બચાવ માટે તંત્રની પણ તૈયારી
બાળક બોરવેલમાં પડ્યાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમ અને 108 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, ગામલોકોની ઝડપી કાર્યવાહીથી રેસ્ક્યૂ ટીમ પહોંચી તે પહેલા જ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. 108ના કર્મચારી પ્રતીક વેકરીયાએ જણાવ્યું કે, ઘટના સ્થળે પહોંચતા પહેલા જ સ્થાનિકોએ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધું હતું. બાળક બોલી અને ચાલી શકતું હતું, જેનાથી સૌએ રાહત અનુભવી હતી.
ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
જુનાગઢ ફાયર વિભાગના અધિકારી કનુભાઈ પરમારે જણાવ્યું કે, બપોરે ચાર વાગ્યા આસપાસ પરબ વાવડી ગામે બાળક બોરવેલમાં ફસાઈ જવાની જાણ થતાં જ ફાયર વિભાગ તુરંત ઘટનાસ્થળે દોડી ગયો. જો કે, ગામલોકોની ચપળતાથી રેસ્ક્યૂ ટિમ પહોંચે તે પહેલા જ બાળકને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું.
બાળક સંપૂર્ણ સ્વસ્થ, પરિવારમાં ખુશીનો માહોલ
બાળકને બહાર કાઢ્યા બાદ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું, જ્યાં ડોક્ટરોએ તેની તબિયતની તપાસ કરી અને તે સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાવ્યું. બાળકીના પિતાએ કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહ્યું કે, “ગામલોકોની મદદથી મારા દીકરાને બચાવી લેવામાં આવ્યો. JCB અને લોકોના સહકારથી તાત્કાલિક પગલાં લેવાતા બાળકનો જીવ બચી ગયો.” આ ઘટના ગામલોકોની સમયસૂચકતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે, જેના કારણે મોટી દુર્ઘટના ટળવા પામી હતી.



