Jamnagar Bus Station : જામનગરમાં 55 વર્ષ જૂનું બસ સ્ટેશન બંધ, 14.48 કરોડમાં નવું બસપોર્ટ બની રહ્યું, હંગામી ડેપો શરૂ
Jamnagar Bus Station : જામનગરમાં આધુનિક બસ સ્ટેશનનું નિર્માણ હાથ ધરાયું છે, જેના માટે 14.48 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. પ્રોજેક્ટ શરૂ થતાં જ મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે હંગામી એસ.ટી. ડેપો કાર્યરત કરવામાં આવ્યો છે.
જામનગરમાં હંગામી બસ સ્ટેશન શરૂ
નવી બસપોર્ટ સુવિધાઓ શરૂ થાય ત્યાં સુધી મુસાફરોને કોઈ મુશ્કેલી ન થાય, એ માટે પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી એસ.ટી. ડેપો કાર્યરત કરાયો છે. અહીં 9 પ્લેટફોર્મ, ટિકિટ બુકિંગ કાઉન્ટર, પ્રશ્નોત્તરી કક્ષાઓ, ટોયલેટ અને બાથરૂમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ હંગામી ડેપો 10,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જે માટે એસ.ટી. તંત્રએ તાત્કાલિક આયોજન કર્યું. આજથી બસ સર્વિસ શરૂ થઈ ગઈ છે અને વહેલી સવારથી મુસાફરોની ભીડ જોવા મળી હતી. બીજી તરફ, રિક્ષા ચાલકો અને સ્ટાફ માટે આ વિસ્તાર ધમધમતું બન્યું છે.
55 વર્ષ જૂન બસ સ્ટેશન બંધ
જામનગરમાં 1970થી કાર્યરત એસ.ટી. ડેપો આખરે આજે સેવા નિવૃત્ત થયો. આ બસ સ્ટેશને 1971ની યુદ્ધ પરિસ્થિતિ, વાવાઝોડાં, ભૂકંપ, અતિવૃષ્ટિ, અને અનેક કુદરતી આફતોનો સામનો કર્યો, પણ આજે તેને તોડી નવી સુવિધાઓ માટે જગ્યા આપવામાં આવી છે.

14.48 કરોડના ખર્ચે નવી બસપોર્ટની રચના
આધુનિક બસપોર્ટ 3375 ચોરસ મીટર વિસ્તારમાં બનેલું હશે, જેમાં:
371 ચોરસ મીટર વિસ્તારમાં 13 પ્લેટફોર્મ
795 ચોરસ મીટર વિસ્તારમાં મુસાફરો માટે વેઇટિંગ એરિયા અને બેઠક વ્યવસ્થા
ટિકિટ બુકિંગ અને રિઝર્વેશન સેન્ટર
વિદ્યાર્થીઓ માટે ખાસ ઇન્કવાયરી ઓફિસ
શૌચાલય અને પીવાના પાણીની વ્યવસ્થા
દુકાનો અને અન્ય આધુનિક સુવિધાઓ
આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં દોઢ થી બે વર્ષમાં નવું બસ સ્ટેશન કાર્યરત થશે.
હંગામી બસ સ્ટેન્ડ: કઈ બસ ક્યાં ઊભાશે?
પ્લેટફોર્મ નંબર રૂટ
1 ઈલેક્ટ્રિક બસ: રાજકોટ, અમદાવાદ, અંબાજી, વડોદરા, સુરત
2-3 રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, અંબાજી, વડોદરા, સુરત
4 ધ્રોલ, જોડિયા, બાલાચડી, પડધરી, મોરબી, ભુજ, માંડવી, નારાયણ સરોવર
5-6 કાલાવડ, જૂનાગઢ, સોમનાથ, ઉના, અલીયાબાડા, આંકોલવાડી, ધોરાજી, નવી મોડ, સૂર્યપરા
7 લાલપુર, કેશોદ, પોરબંદર, ભાણવડ, માણાવદર, ભણગોર
8 દ્વારકા, હર્ષદ, ખંભાળિયા, ભાટીયા, પોરબંદર, સિક્કા
9 જામજોધપુર, બાંગા, સમાણા, અપલેટા, નવાગામ
આ પ્રોજેક્ટ સંપૂર્ણ થવાથી મુસાફરો માટે વધુ સુવિધાયુક્ત અને આરામદાયક બસપોર્ટ ઉપલબ્ધ થશે.



