International Womens Day: ‘અભયમ’ હેલ્પલાઈન કેવી રીતે બને છે મહિલાઓ માટે સુરક્ષાનું સંકલ્પ?
International Womens Day: 181 મહિલા હેલ્પલાઈન ઘરેલુ હિંસા, દુર્વ્યવહાર, છેડતી અને અન્ય અત્યાચારોનો ભોગ બનેલી મહિલાઓને તાત્કાલિક બચાવ, માર્ગદર્શન, કાઉન્સેલિંગ અને સલાહ આપવાનું કાર્ય કરે છે. જો કોઈ મહિલા ભટકી ગઈ હોય અથવા આશરો વિનાની સ્થિતિમાં હોય, તો તેને સુરક્ષિત આશ્રય ગૃહમાં લઈ જવામાં આવે છે. ભૂલા પડેલા વૃદ્ધો અને અજાણ્યા મળી આવેલ વ્યક્તિઓને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું પવિત્ર કાર્ય પણ 181 હેલ્પલાઈન દ્વારા કરવામાં આવે છે.
આ સેવામાં ફોન દ્વારા તાત્કાલિક સહાય, માર્ગદર્શન અને કાઉન્સેલિંગ આપવામાં આવે છે. જો કોઈ મહિલાને તાત્કાલિક સુરક્ષાની જરૂર હોય, તો 181 ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી કરે છે. આ સેવા મહિલાઓને મહિલા પોલીસ સ્ટેશન, વન-સ્ટોપ સેન્ટર, કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ અને નારી સંરક્ષણ ગૃહ સાથે જોડતી કડી બની શકે છે.
મહિલાઓ માટે આ હેલ્પલાઈન વિવિધ સરકારી યોજનાઓની માહિતી અને તેનાથી ફાયદો કેવી રીતે મેળવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપે છે. શારીરિક, જાતીય, માનસિક અને આર્થિક હિંસાના કિસ્સાઓમાં મહિલાઓ 181 પર ફોન કરીને નિર્ભયતાથી મદદ મેળવી શકે છે. વિવાહ જીવન, શારીરિક અને માનસિક તકલીફો, જાતીય શોષણ, બાળ જન્મ અને અન્ય પરિવાર સંબંધી સમસ્યાઓ માટે પણ આ હેલ્પલાઈન ઉપયોગી સાબિત થાય છે.
આ ઉપરાંત, કાયદાકીય સહાય, આર્થિક સ્વાવલંબન અને રોજગાર સંબંધિત પ્રશ્નો માટે પણ 181 હેલ્પલાઈન સચોટ માહિતી પૂરી પાડે છે.
વર્ષ 2024 દરમિયાન બોટાદ જિલ્લામાં 487 મહિલાઓને સ્થળ પર જ તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી હતી. જેમાંથી 275 કેસમાં કાઉન્સેલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાન લાવવામાં આવ્યું. જ્યારે 165 થી વધુ ગંભીર કેસમાં પીડિત મહિલાઓને પોલીસ સ્ટેશન, મહિલા સહાયતા કેન્દ્ર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવી હતી, જેથી તેમને ન્યાય મળી શકે.



