Increase in Assistance : નગરપાલિકાઓ માટે સારા સમાચાર: નગર સેવાસદન માટે રાજ્ય સહાયમાં ત્રણ ગણો વધારો
Increase in Assistance : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરપાલિકાઓને વધુ સક્ષમ બનાવવા અને નાગરિકોને સુવિધાજનક સેવા મળતી થાય તે હેતુથી એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર હવે નગરપાલિકાઓને નવું નગર સેવાસદન બાંધવા માટે મળતી સહાય રકમમાં નોંધપાત્ર વધારો કરશે.
દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા
આ સહાય સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આપવામાં આવશે. નવા નગર સેવાસદનમાં લિફ્ટ જેવી સુવિધાઓની સાથે દિવ્યાંગ તથા વરિષ્ઠ નાગરિકો માટે સુલભ પ્રવેશ વ્યવસ્થા હશે. સાથે જ સોલાર પેનલની મદદથી વીજ બચત તથા ઊર્જા આત્મનિર્ભરતા સુનિશ્ચિત કરવામાં આવશે.
પાણી બચાવ માટે ‘કેચ ધ રેઈન’ અભિયાનનો સમાવેશ
નવા નગર સેવાસદનમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા ફરજિયાત રહેશે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને આગળ ધપાવશે.
સહાયમાં ત્રીગણો વધારો – વર્ગ પ્રમાણે વિસ્તૃત વિગતો
રાજ્યની ‘અ’, ‘બ’, ‘ક’ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાઓને હવે નીચે મુજબની સહાય મળશે:
‘અ’ વર્ગ: રૂ. 6 કરોડ (પહેલાં રૂ. 2 કરોડ)
‘બ’ વર્ગ: રૂ. 5 કરોડ
‘ક’ વર્ગ: રૂ. 4 કરોડ (પહેલાં રૂ. 1 કરોડ)
‘ડ’ વર્ગ: રૂ. 3 કરોડ
આ રીતે સરકારની સહાયમાં સ્પષ્ટ ત્રીગણો વધારો કરવામાં આવ્યો છે.
હાલની ઇમારતો માટે પણ સહાય ઉપલબ્ધ
જે નગરપાલિકાઓ પાસે પહેલેથી નગર સેવાસદન છે અને તેમાં રિપેર કે વિસ્તરણ કરવાની જરૂર છે, તેમને પણ સહાય મળે તે માટે રાજ્ય સરકારે નવા નગરસેવાસદન માટે મળતી રકમનો 25 ટકા ભાગ રિપેરિંગ અને એક્સપાંશન માટે ફાળવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતની નગરપાલિકાઓનો વર્ગીકરણ
હાલમાં ગુજરાત રાજ્યમાં કુલ:
34 ‘અ’ વર્ગ
37 ‘બ’ વર્ગ
61 ‘ક’ વર્ગ
17 ‘ડ’ વર્ગ નગરપાલિકાઓ કાર્યરત છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયો નગરપાલિકાઓના ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવા અને નાગરિક સુવિધાઓને વધુ આધુનિક બનાવવાના દિશામાં મોટા પગલા તરીકે જોવામાં આવી રહ્યા છે.



