Income Tax : આવકવેરા અધિકારીઓ હવે તમારા ઈ-મેઈલ એકાઉન્ટની કરી શકશે તપાસ! જાણો સંપૂર્ણ વિગત
Income Tax : આવકવેરા ધારા ૧૯૬૧માં કરવામાં આવેલી જોગવાઈ હેઠળ આવકવેરા અધિકારી કરદાતાએ જાહેર ન કરેલી આવકને પકડી પાડવા માટે તેમની ઓફિસમાં ઘૂસી જવાની, સેફ-લોકર્સની તપાસ કરવાની સત્તા ધરાવે છે. પરંતુ પહેલી એપ્રિલ ૨૦૨૬ પછી આવકવેરા અધિકારી કરદાતાના ડિજિટલ એકાઉન્ટમાં પણ ડોકિયું કરી શકશે.
કરદાતાની કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી લઈ શકશે. તેમ જ તેના ઓનલાઈન એકાઉન્ટ્સની ચકાસણી કરી શકશે. આ ખાતાઓમાંથી કરચોરીની કોઈ વિગતો સાંપડી શકે તેમ છે કે નહિ તેની ચકાસણી કરી શકશે. આજકાલ નાણાંકીય વહેવારો ડિજિટલી કરવાનું વલણ અને ચલણ વધી રહ્યું છે. તેથી આવકવેરા અધિકારીઓ પણ મોડર્ન બની રહ્યા છે. તેને માટે ડિજિટલ ફોરેન્સિકનો આધાર લેવામાં આવશે.
કરદાતાએ એકવાર એન્ટર કરેલી વિગતો ડિલીટ પણ કરી દીધી હશે તો ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ તે શોધી શકશે. જોકે તેની સાથે કરદાતાની પ્રાઈવસીનો ભંગ થવાની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. પરિણામે કરદાતાએ તેનું આવકવેરાનું રિટર્ન કોઈપણ જાતની માહિતી છૂપાવ્યા વિના જ ભરવું પડશે. તેમ જ તેણે કરેલા રોકાણની કોઈપણ વિગતો સંતાડવાનો પ્રયાસ કરવાનો રહેશે નહિ. કરદાતાએ ભવિષ્યમાં કોઈ જ તકલીફ ન પડે તે માટે તેના વેરાના નિષ્ણાતની સલાહ લઈને પછી જ આગળ કરદાતાએ કામ કરવું જોઈએ.



