HNGU Exam Blunder: પાટણમાં LLBના વિદ્યાર્થીઓને 2024નું જૂનું પેપર આપી દેવાયું!
HNGU Exam Blunder: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફરી એક પરીક્ષા ગોટાળો સામે આવ્યો છે. LLB સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને 2024નું જૂનું પેપર આપતા ગભરાટ ફેલાયો. જાણો આખી વિગત અહીં.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)માં ફરી એક વખત પરીક્ષા ગોટાળાનો મામલો સામે આવ્યો છે. LLB સેમેસ્ટર-4ની પરીક્ષા દરમિયાન કેટલીક કોલેજોમાં વર્ષ 2024નું જૂનું પેપર આપી દેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે ખલેલ સર્જાઈ છે.
વિજ્ઞાનના યુગમાં યુનિવર્સિટીની આવા ભૂલો?
7 એપ્રિલે લેવામાં આવેલી ન્યાયશાસ્ત્ર (Law) વિષયની પરીક્ષા દરમિયાન કેટલાક સેન્ટરો પર વર્ષ 2025નું પેપર આપવામાં આવ્યું જ્યારે કેટલાકમાં ગત વર્ષનું – 2024નું પેપર વિતરણ કરવામાં આવ્યું હતું. પરિણામે વિદ્યાર્થીઓ અને સ્ટાફ બંનેમાં ખળભળાટ મચી ગયો…

વિદ્યાર્થીઓએ આ સમસ્યાને ગંભીરતાથી લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે કે, આવી બેધડક ભૂલો શૈક્ષણિક વ્યવસ્થાની ગંભીર ઉણપ દર્શાવે છે.
અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી HNGU
આ કોઈ પહેલી ઘટના નથી. થોડા દિવસ પહેલા NSUI દ્વારા યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે એક વિદ્યાર્થીએ એક જ વર્ષમાં બે અલગ અલગ સંસ્થામાંથી પરીક્ષા આપી હતી. નિયમો મુજબ આ અયોગ્ય ગણાય છે.
વિદ્યાર્થીઓની માંગ – જવાબદારી નિશ્ચિત થાય
વિદ્યાર્થી સંગઠનો ની માંગ છે કે યુનિવર્સિટી દ્વારા વારંવાર થતી આવી ગફલત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે. પરીક્ષાઓમાં આ પ્રકારની ભૂલ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવા સમાન ગણાય છે.



