Heat Wave Guideline : ગુજરાતમાં હીટવેવ અંગે ચેતવણી બાદ રાહત કમિશનર દ્વારા માર્ગદર્શિકા જાહેર, તમામ વિભાગોને સાવચેતી રાખવા સૂચના
Heat Wave Guideline : ગુજરાતમાં ગરમીનો પારો સતત વધતા રાજય સરકારે આગાહી અનુસાર તાત્કાલિક પગલાં લીધાં છે. રાહત કમિશનરે હીટવેવના જોખમ સામે રાજ્યના તમામ વિભાગોને સાવચેતી રાખવા, અને અસરકારક રીતે કામ કરવા માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે.
શહેરી વિસ્તારોમાં બપોરના સમયે કામ કરતા શ્રમિકોને લૂ કે હીટસ્ટ્રોકનો સામનો ન કરવો પડે, તે માટે તેમના કામના કલાકો નિયત કરવા અંગે પણ આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને બપોરે શ્રમિકોને તડકામાં વધુ મહેનત ન કરવી પડે તે માટે અનુકૂળ વ્યવસ્થા કરવા સૂચના અપાઈ છે.
હીટવેવમાં બચવા માટેની આરોગ્યદાયક સૂચનાઓ:
હાઈડ્રેશન જાળવો:
લીંબુ શરબત, છાશ, નારીયેળનું પાણી, ORS, ખાંડમીઠાનું દ્રાવણ અને તાડફળી જેવા ઠંડા પ્રવાહીનું નિયમિત સેવન કરો.
શ્રમ ઘટાડો:
બપોરના તડકામાં વધુ મહેનત ટાળો, ખાસ કરીને 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન તડકામાં ન જાવ.
શરીર ઢાંકીને બહાર નિકળો:
સફેદ, ઢીલા અને સુતરાઉ કપડાં પહેરો. ટોપી, ચશ્માં અને છત્રીનો ઉપયોગ કરવો વધુ સારો.
ઠંડક માટે વ્યવસ્થા:
ઘરે કે ઓફિસમાં પંખો, કૂલર કે ACનો ઉપયોગ કરો. ઘરના તાપમાન ઘટાડવા માટે છત પર સફેદ ચૂનો કે સફેદ ટાઇલ્સ લગાવવી પણ ઉપયોગી છે.
બાળકો માટે ખાસ કાળજી:
નાહવાના પાણીમાં લીમડાંના પાન અથવા કેસુડાનાં ફૂલ ઉમેરો. ખૂલેલાં અને વાસી ખોરાકથી દૂર રહો.
ખોરાકમાં સાવચેત રહો:
ખુલ્લો બજારનો બરફ, દૂધ-માવાની વસ્તુઓ તથા ચા-કોફી અને મદિરા પીવાનું ટાળો.
જરૂરતમંદો માટે ખાસ ધ્યાન:
વૃદ્ધો, બાળકો, સગર્ભા માતાઓ અને બીમાર વ્યક્તિઓ ગરમીથી વધુ અસરગ્રસ્ત થાય છે, તેથી તેમનું ખાસ ધ્યાન રાખો.

લૂ લાગવાના લક્ષણો ઓળખો:
માથામાં દુઃખાવો અથવા ચક્કર
વધારે તાવ, ત્વચા ગરમ અને સૂકી થવી
તરસ લાગવી, ઉલ્ટી, ઉબકા
બેભાન થવા જેવી સ્થિતિ
નાડી ઝડપી ધબકાવા લાગવી
શરીરમાં પાણીની ઉણપ થવી
જો આ લક્ષણો કોઇ વ્યક્તિમાં દેખાય, તો તરત નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં સંપર્ક કરો. તાત્કાલિક જરૂર પડ્યે 108 એમ્બ્યુલન્સ સેવા પણ લેજી શકાય છે.
આ માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં વધતી ગરમી સામે લોકો તૈયારીપૂર્વક અને સુરક્ષિત રીતે પગલાં લઈ શકે, અને જીવનને સુરક્ષિત રાખી શકે.
જાણકારી રાખો, સાવચેતી રાખો અને ગરમીથી પોતાને તથા તમારા પરિવારમાં તમામને બચાવો.



