Gyanprakash Swami Controversy : જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુરમાં માફી માંગી, વડતાલ સંસ્થાએ નિવેદનને વખોડી ખેદ વ્યક્ત કર્યો
Gyanprakash Swami Controversy : વીરપુરના પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વિરપુર જલારામ મંદિરમાં આવીને માફી માગી છે.
સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે. તેમણે પૂ.જલારામ બાપા વિશે કરેલ ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારબાદ વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર આવી માફી માગી છે. ભક્તો અને રઘુવંશી સમાજના રોષ સામે આખરે આ સ્વામી ઝૂક્યા છે અને વીરપુરના મંદીરમાં આવી માથુ ટેકવી માફી માગી લીઘી છે.
પાછળના દરવાજેથી આવીને જલારામ બાપાની માફી માગી
જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા. મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં આવી માફી માગી સ્વામી રવાના થયા હતા. સ્વામીએ અગાઉ વીડિયો જાહેર કરીને પણ માફી માગી હતી, તેમ છતા લોકોનો આક્રોશ સમ્યો ન હતો, જેથી વીરપુર આવી તેમણે માફી માગી છે. મહત્ત્વનું છે કે નંબર પ્લેટ વગરની કાળા કલરની એક કારમાં સ્વામી આવ્યા હતા અને માફી માગી મંદીરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ગયા હતા.
‘બીજા સ્વામી આવું નહીં બોલે તેની શું ખાતરી?’
આ સમગ્ર મુદ્દે દેવનાથ બાપુનું કહેવું છે કે, ‘એક પુસ્તકને આધાર બનાવી સ્વામીએ બફાટ કર્યો હતો. ત્યારે આજે એક સ્વામીએ માફી માગી છે કાલે બીજા સ્વામી એ પુસ્તકના આધારે ફરી આવું નહીં બોલે તેની શું ખાતરી, આ લોકોની મનગડત કહાનીઓ વાળી ચોપડીઓને સળગાવી દેવી’
રઘવંશી સમાજના અગ્રણીએ શું કહ્યું?
તો રઘવંશી સમાજના એક અગ્રણીનું કહેવું છે કે, ‘પહેલા બફાટ કરવાનો અને પછી માફી માગી લેવાની એ હવે આવા સ્વામીઓની પ્રથા થઈ ગઈ છે. માફી બાદ હવે આ રોષ પૂર્ણ થવો જોઈએ. પરંતુ આ સ્વામીને હવે 10-15 વર્ષ સુધી વ્યાસ પીઠ પર ન બેસવા દેવા જોઈએ. જો પહેલા જ માફી માગી લીધી હોત તો આ મુદ્દો આટલો મોટો ન થયો હોત’.
તો લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે, ‘આવા લોકોને જે તે સ્વામીનારાયણ સંસ્થાએ તેમની સંસ્થામાંથી દૂર કરવા જોઈએ.’ રઘુવંશી સમાજ અને ભક્તોના આક્રોશ સામે સ્વામી ઝૂક્યા અને આખરે માફી માગી છે. હવે જોવાનું એ રહેશે કે માફી બાદ ભક્તોનો કે રઘુવંશી સમાજનો ગુસ્સો શાંત પડે છે કે કેમ.
વડતાલ સંસ્થાએ સ્વામીના નિવેદનને વખોડી ખેદ વ્યક્ત કર્યો
વડતાલ સંસ્થાએ સ્વામીના નિવેદનને વખોડી ખેદ વ્યક્ત કર્યો છે. આ અંગે એક પત્ર પણ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, “પૂજ્યશ્રી જલારામ બાપાનું જીવન અને સંદેશ માત્ર રઘુવંશી લોહાણા સમાજ માટે જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પ્રરેલ હિન્દુ સમાજ માટે પ્રેરણારૂપ છે. વિશેષરૂપે અન્નપૂર્ણાના નિવાસ સમાન અન્નક્ષેત્ર સનાતન પરંપરાનું ગૌરવ છે અને રહેશે.
વડતાલદેશના સાધુ જ્ઞાનપ્રકાશદાસ દ્વારા પૂજ્ય શ્રી જલારામ બાપા વિશે જે નિવેદન કરાયું છે, તે વાહીયાત નિવેદનને વડતાલ સંસ્થા સમર્થન કરતી નથી અને વડતાલના કોઈ પુસ્તકમાં આવી કોઈ વાત શાસ્ત્રોક્ત નથી. તેથી શિક્ષાપત્રીના આદેશાનુસાર, આ વિધાનની નિંદા કરીએ છીએ અને ખેદની લાગણી વ્યક્ત કરીએ છીએ.”



