Gujarat : સમાન સિવિલ કોડ: ગુજરાત સરકારે સમિતિને અહેવાલ રજૂ કરવા માટે વધુ 45 દિવસની મુદત આપી
Gujarat : ગુજરાત(Gujarat)સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સમાન સિવિલ કોડ સમિતિની(UCC)રચના કરવામાં આવી છે. જે સમગ્ર બાબતનો અભ્યાસ કરીને સરકારેને અહેવાલ રજૂ કરશે. ત્યારે સરકારે આજે સમિતિને અહેવાલ રજૂ કરવાની મુદતમાં 45 દિવસનો વધુ સમય આપ્યો છે.
આ સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કોડ અંગે વધુમાં વધુ પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કરી શકે અને તેને ધ્યાને લઈ સમિતિ કાયદાની આવશ્યકતા ચકાસી કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકે તે હેતુથી અહેવાલ રજૂ કરવાની મુદ્દત વધારી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
જેને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા તા. 4/03/2025 ના ઠરાવથી સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ 45 દિવસની મુદત આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમિતિ દ્વારા UCC સંદર્ભે સરકારના વિવિધ આયોગો, વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આજે બેઠકો યોજવામાં હતી. વધુ પ્રતિભાવો મેળવવાના ભાગરૂપે સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ સમાન સિવિલ કોડ અંગે અભિપ્રાયો મેળવવામાં આવશે.