Gujarat Temple Holi Celebration : ગુજરાતનાં મંદિરોમાં રંગોત્સવની ધમાલ: સાળંગપુરમાં 80 ફૂટ ઊંચેથી 51 હજાર કિલો રંગોનો વરસાદ, દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં ભક્તો ઉમટ્યા
Gujarat Temple Holi Celebration : આજે ફાગણ સુદ પૂનમના પાવન દિવસે ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોમાં ધુળેટીની ભવ્ય ઉજવણી થઈ. દ્વારકા, શામળાજી, અંબાજી, સાળંગપુર અને ડાકોર સહિતનાં મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. વહેલી સવારે મંદિરોના દ્વાર ખુલતા જ ભક્તોએ મંગળા આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી.
ચાંદીની પિચકારીથી ધુળેટી, સાળંગપુરમાં રંગોનો શાવર
ડાકોર, શામળાજી અને દ્વારકામાં ભગવાને ચાંદીની પિચકારી વડે ભક્તો સાથે ધુળેટી રમી. સાળંગપુર હનુમાનજી મંદિરમાં 80 ફૂટ ઊંચેથી 51 હજાર કિલો નેચરલ કલરનો ભવ્ય છંટકાવ કરવામાં આવ્યો, જેને જોઈ ભક્તોમાં ઉમંગ છવાઈ ગયો.

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ અને ભક્તોનું ઘોડાપૂર
દ્વારકાધીશ મંદિરના પવિત્ર પરિસરમાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ માખણચોર”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું.
સાળંગપુરમાં નાસિક ઢોલના તાલે હરિભક્તો ઝૂમી ઉઠ્યા
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર પરિસરમાં 50થી વધુ નાસિક ઢોલના તાલે ભક્તો ધુળેટીના રંગમાં રંગાઈ ગયા. અહીં 70-80 ફૂટ ઊંચાઈએથી 500 જેટલા સપ્તધનુષ્યના રંગોથી ભક્તો પર રંગોનો શાવર કરવામાં આવ્યો.
અંબાજી અને શામળાજી મંદિરમાં ધુળેટીનો ઉત્સાહ
અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની મોટી ભીડ જોવા મળી, જયારે શામળાજી મંદિરમાં ભગવાન શામળિયાને ચાંદીની પિચકારી વડે અબીલ-ગુલાલનો શણગાર કરવામાં આવ્યો.
આ ભવ્ય રંગોત્સવના અદભુત નજારો અને ભક્તોની આસ્થા દર્શાવતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.



