Gujarat School Fees: શાળાઓમાં વધારાની ફી પર સરકારનો કડક એક્શન: FRCના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે દંડ
Gujarat School Fees: ગુજરાતના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વધારાની ફી વસૂલતી શાળાઓને ચેતવણી આપી કે FRCના નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી થશે.
રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા વધારાની ફી વસૂલવામાં આવી રહી હોવાના આક્ષેપો વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “જેઓ નિયમોનું ઉલ્લંઘન કરશે, તેમની સામે કાયદેસરની અને કડક કાર્યવાહી થશે.”
“શિક્ષણમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યભરમાં ચાર જુદા જુદા ઝોન મુજબ ફી નક્કી કરવા માટે ખાસ કમિટીઓ બનાવવામાં આવી છે. આ ફી રેગ્યુલેટરી કમિટીઓ (FRC) શાળાની ભૌતિક સુવિધાઓ, સ્ટાફની સંખ્યા અને માળખાકીય વિગતોના આધાર પર યોગ્ય ફી નિર્ધારિત કરે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “માત્ર 10 ટકા શાળાઓને જ FRC સુધી જવું પડે છે. બાકી 90 ટકા શાળાઓ પોર્ટલ પર લોગિન કરીને જરૂરી માહિતી આપે છે. જો શાળાઓ મનમાની રીતે ફી વસૂલે છે તો તપાસ બાદ તેમને દંડ થાય છે.”
શું કહ્યું શિક્ષણમંત્રીએ?

“જેઓ વધારાની ફી વસૂલે છે તેઓના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે. શાળાઓ ઈચ્છે 1.5 કે 2 લાખની ફી પણ કહે, પરંતુ FRC તમામ વિગતો તપાસીને યોગ્ય રકમ નક્કી કરે છે.”
સેન્ટ થોમસ સ્કૂલનું તાજેતરનું વિવાદાસ્પદ કેસ
હાલમાં લીંબડીની સેન્ટ થોમસ સ્કૂલ વિવાદમાં આવી હતી, જ્યાં શાળાની ફી ન ભરનાર વાલીઓને બાળકોને પરીક્ષામાં બેસવા ન દેવાની ધમકી આપી હતી. વાલીઓએ આ મામલે ફરિયાદ કરી હતી અને વોટ્સએપ ગ્રૂપમાં આ અંગે સંદેશ પણ વહેંચાયો હતો. આ પગલાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે અને શાળાઓ માટે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, નિયમોનો ભંગ સહન કરવામાં નહીં આવે.



