Gujarat Rain : કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા, પાકને ભારે નુકસાન, વળતરની માંગ ઉઠી
Gujarat Rain : ગુજરાત રાજ્યમાં થયેલા અચાનક કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓએ ખેડૂતોની હાલત કફોડી બનાવી છે. અનેક જિલ્લાઓમાં ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતો હવે સરકાર સમક્ષ વળતરની માગ કરી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં કેરી અને કેળાને નુકસાન
નવસારી, વલસાડ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને વરસાદના કારણે કેરી અને કેળાના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો કહે છે કે આમ તો કેરીનો ઋતુ ઉંચાઇ પર હતી , પરંતુ તીવ્ર પવન અને વરસાદથી ઝાડ પરથી કેરી ખરી પડતા અનેક ખેડૂતોના સપનાની કેરી બજારમાં પહોંચ્યા વગર નાશ પામી છે.
બનાસકાંઠા અને પાટણમાં બાજરીનો પાક બગડ્યો
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં બાજરી, તલ અને મગ જેવા ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં ઊભો પાક વાવાઝોડાથી પડી ગયો છે અને જમીનમાં ભીની સ્થિતિને કારણે તે પલળી પણ ગયો છે. હવે ખેડૂતોને પાકમાંથી પૂરતો ભાવ મળે કે નહીં એ અવિશ્વાસમાં છે.

વડોદરા અને રાજકોટમાં બાગાયતી પાકને ધક્કો
વડોદરા અને રાજકોટ જિલ્લામાં પણ બાગાયતી પાકને નુકસાન પહોંચ્યું છે. કેરી અને તલના પાક પર ખાસ અસર જોવા મળી છે. ખેતીવાડી વિભાગે જણાવ્યું કે તેમને હજુ સર્વે ચાલુ છે અને ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
મહીસાગર અને પંચમહાલના ખેડૂતો પર સંકટ
મહીસાગર જિલ્લામાં ખાસ કરીને ખાનપુર તાલુકામાં પવન અને વરસાદના કારણે લગભગ 250 એકર જમીનમાં વાવેલા પાકને નુકસાન થયું છે. પંચમહાલ જિલ્લાના નદીસર વિસ્તારમાં બાજરી, તલ અને શાકભાજીના પાકને પણ નુકસાન થયો છે. ઘાસચારો પણ બગડી જતાં પશુપાલકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

વલસાડમાં કેરીના ભાવમાં ઘટાડો
વલસાડમાં કેરીના પાકને નુકસાન થવાથી બજારમાં કેરીનો ભાવ ઘટી ગયો છે. જિલ્લા કૃષિ અધિકારીઓએ ખેડૂતોને સલાહ આપી છે કે તેઓ કાપેલી કેરી અને અન્ય પાકને સુરક્ષિત સ્થાન પર ખસેડે અથવા તાડપત્રી કે પ્લાસ્ટિકથી ઢાંકે.
રાજ્યના અનેક ખેડૂતો હાલ કમોસમી વરસાદના કારણે નુકસાનની આવક સામે ઊભા છે. હવે આશા છે કે સરકાર ખેડૂતોની ફરિયાદોને ગંભીરતાપૂર્વક લઈ ને યોગ્ય વળતર અને સહાયરૂપ પગલાં લેશે.



