Gujarat PSI written exam 2025: PSI લેખિત પરીક્ષા 2025: 1 લાખથી વધુ ઉમેદવારો માટે પરીક્ષાની તડામાર તૈયારીઓ, CCTV અને GPSથી મોનિટરિંગ
Gujarat PSI written exam 2025: ગુજરાતમાં પોલીસ સબ ઇન્સપેક્ટર (PSI) ની બિન હથિયારધારી ભરતી માટેની લેખિત પરીક્ષા હવે આવતીકાલે, એટલે કે 13 એપ્રિલ 2025ના રોજ યોજાવાની છે. આ પરીક્ષા માટે રાજ્યના ત્રણ મહાનગરો – અમદાવાદ, વડોદરા અને સુરતમાં કુલ 340 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવી છે.
1 લાખથી વધુ ઉમેદવાર પરીક્ષામાં બેસશે
આ ભરતી પ્રક્રિયામાં જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટી પાસ કરેલા ઉમેદવારોમાંથી કુલ 1,02,935 ઉમેદવારો હવે લેખિત પરીક્ષા માટે લાયક ઠેરવાયા છે. તેઓ PSIની 472 ખાલી જગ્યાઓ માટે સ્પર્ધામાં છે. તમામ ઉમેદવારો માટે કોલલેટર ડાઉનલોડ કરવાની સમયમર્યાદા પણ 13 એપ્રિલ સુધી નક્કી કરવામાં આવી છે.

કડક સુરક્ષા અને વ્યવસ્થાઓ
પરીક્ષા દરમિયાન ગેરરીતિથી બચવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ મળી કુલ 8000 જેટલા સ્ટાફ તહેનાત રહેશે. દરેક પરીક્ષા કેન્દ્ર પર PI અથવા PSI તહેનાત રહેશે, જે ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે કામગીરી સંભાળશે.
LIVE મોનીટરીંગ અને GPS વ્યવસ્થા
તમામ વર્ગખંડમાં CCTV કેમેરા મારફતે live મોનીટરીંગ થશે.
શારીરિક કસોટી વખતે લેવામાં આવેલી બાયોમેટ્રિક ઓળખ અને ફોટાનું પુનઃચકાસણ પેપર પહેલાં કરાશે.
પરીક્ષા સામગ્રી લઈ જતાં વાહનોને GPS ટ્રેકિંગથી મોનિટર કરવામાં આવશે.
સિનિયર પોલીસ અધિકારીઓનું નિરીક્ષણ
આ તપાસ IGP/DIGP કક્ષાના અધિકારીઓની દેખરેખમાં તેમજ પોલીસ કમિશનરોના જનરલ સુપરવિઝન હેઠળ લેવામાં આવશે. પરીક્ષા દરમ્યાન ગેરરીતિ કે ધોકાધડીના કોઈપણ પ્રયાસ વિરૂદ્ધ સખ્ત પગલાં લેવામાં આવશે.



