Gujarat Politics: કૈલાસનાથન અને CMની મુલાકાતથી ગુજરાતના વહીવટી તંત્રમાં મોટા ફેરફારની અટકળો, કેબિનેટ વિસ્તરણની ચર્ચા તેજ
Gujarat Politics: ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ અને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથનની ગુજરાત મુલાકાત અને મુખ્યમંત્રી સાથે ત્રણ કલાક ચાલેલી બેઠક ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી મુજબ, આ બેઠકમાં રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થા તથા વહીવટી તંત્ર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક એવા સંજોગોમાં યોજાઈ છે જ્યારે વિધાનસભાનું બજેટ સત્ર અંતિમ તબક્કામાં છે અને રાજ્ય મંત્રીમંડળમાં ફેરફારને લગતી ચર્ચાઓ લાંબા સમયથી પ્રલંબિત છે. આ મુલાકાત પછી રાજ્ય કેબિનેટના વિસ્તરણને લઈ અટકળો વધુ પ્રબળ બની છે. મુખ્યમંત્રીના ગાંધીનગર નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં રાજ્ય ગૃહમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેને કારણે કાયદો અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા થઈ હોવાનું મનાય છે.
પોલીસ અને વહીવટી તંત્રમાં ફેરફારોની શક્યતા
કૈલાસનાથન ગુજરાતના વહીવટી તંત્રમાં મુખ્ય ભૂમિકા નિભાવી ચૂક્યા છે. તેઓ લાંબા સમય સુધી મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે કાર્યરત રહ્યા હતા. આ મુલાકાતને જોઈને રાજ્યના પોલીસ વિભાગ અને વહીવટી તંત્રમાં આવનારા દિવસોમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ ઉભી થઈ છે.
કેબિનેટ વિસ્તરણની શક્યતા
વિધાનસભાના બજેટ સત્ર બાદ રાજ્ય મંત્રીમંડળમાં ફેરફાર અને નવા મંત્રીઓની નિયુક્તિ થવાની શક્યતા છે. વર્તમાન કેબિનેટમાં 8 કેબિનેટ મંત્રીઓ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ કાર્યરત છે. નબળી કામગીરી કરનારા મંત્રીઓને બદલવા અને નવા ચહેરાઓને તક આપવા માટે રાજ્ય કક્ષાએ વિચારણા ચાલી રહી છે. આશા છે કે 7-8 નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરી શકે છે.
સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પર ચર્ચા
કૈલાસનાથન હાલમાં સાબરમતી આશ્રમના વિકાસ પ્રોજેક્ટની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની આ મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટની પ્રગતિ અને ભવિષ્યની યોજનાઓ અંગે પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.
આ બેઠકનું આયોજન હાઇકમાન્ડના સંકેતથી થયું હોવાની શક્યતા છે, જેના કારણે રાજ્યના વહીવટી તંત્રમાં આગામી દિવસોમાં મોટાપાયે પરિવર્તન થવાની સંભાવનાઓ છે.