Gujarat Medical Education : ગુજરાતમાં ડોક્ટર બનવાના સપનાને પાંખ! MD-MSની બેઠકોમાં બે વર્ષમાં મોટો ઉછાળો
Gujarat Medical Education : ગુજરાતે(Gujarat)છેલ્લા વર્ષોમાં મેડિકલ એજ્યુકેશન ક્ષેત્રે હરણફાળ ભરી છે. આ અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નના જવાબમાં માહિતી આપતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હાલ રાજ્યની મેડિકલ કૉલેજોમાં M.D.ની 2044 અને M.S.ની 932 સીટો ઉપલબ્ધ છે. છેલ્લા બે વર્ષમાં M.D.ની 446 અને M.S.ની 211 સીટો વધી છે.આ ઉપરાંત સરકાર રાજ્યના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કૉલેજ કાર્યરત થવાનું સ્વપ્ન પૂર્ણ કરવા પ્રયાસ કરી રહી છે.
કુલ -3139 સીટો ઉપલબ્ધ
મેડિકલ કૉલેજમાં પી.જી. અનુસ્નાતક બેઠકોની વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે,રાજ્યમાં NMC(નેશનલ મેડિકલ કમિશન) ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત P.G.(પોસ્ટ ગ્રેજ્યુએશન) ડિગ્રી (MD-3 વર્ષ) ની 2044 , પી.જી. ડીગ્રી (MS-3 વર્ષ)ની 932 , પી.જી. સુપર સ્પેશ્યાલીટી (DM/M.Ch.3 વર્ષ) ની 124 અને પી.જી ડીપ્લોમાં (2 વર્ષ)ની 39 મળીને કુલ -3139 સીટો ઉપલબ્ધ છે.
DNB (ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ) સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 148 , DNB સુપર સ્પેશ્યાલિટી (3 વર્ષ)ની 76 અને DNB ડિપ્લોમાં (2 વર્ષ)ની 58 બેઠકો મળીને કુલ -282 તેમજ CPS (કૉલેજ ઓફ ફિઝીશીયન એન્ડ સર્જન ઇન મુંબઇ) ડિપ્લોમા (2 વર્ષ)ની કુલ-298 બેઠકો ઉપલબ્ધ છે. આમ કુલ મળીને રાજ્યમાં કુલ-3179 જેટલી અનુસ્નાતક અભ્યાસ માટેની બેઠકો ઉપલબ્ધ છે.
રાજ્યમાં કુલ 41 મેડીકલ કૉલેજો ઉપલબ્ધ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં અંદાજીત કુલ 450 જેટલી યુ.જી. બેઠકો અને 1011 જેટલી પી.જી. બેઠકો માટે વિવિધ સંસ્થાઓએ NMCમાં અપ્લાય કર્યું છે જેના માટે રાજ્ય સરકારે એસેન્સીયાલીટી સર્ટીફીકેટ આપ્યું છે.રાજ્યના મેડિકલ ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે બેઠકોનો વધારો આવનારા નજીકના સમયમાં જોવા મળશે.રાજયમાં હાલ કુલ 41 મેડીકલ કૉલેજો ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી, 13 ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત, 3 કોર્પોરેશન સંચાલિત, 1 એઇમ્સ અને 18 સ્વ-નિર્ભર કૉલેજો છે



