Gujarat Legislative Assembly : ગુજરાતમાં 40% બાળકો કુપોષિત, અધિકારીઓ રૂ.16,000ના ડ્રાય ફ્રૂટ ખાઈ ગયા! ચૂંટણી ખર્ચ પર સવાલ કરનાર MLA સસ્પેન્ડ
Gujarat Legislative Assembly : ગુજરાત વિધાનસભામાં આજે સામાન્ય વહીવટ અને શહેરી વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રાજ્યમાં ચૂંટણી ખર્ચ અને પ્રશાસનિક ભ્રષ્ટાચારને લઈ ગંભીર આક્ષેપો કર્યા. તેમણે ચૂંટણી પંચના ખર્ચાને લઈ સરકાર પર સવાલ ઉઠાવ્યા, જેને પગલે મંત્રી ઋષિકેશ પટેલે મેવાણીના ભાષણને રેકોર્ડમાંથી કાઢી નાખવાની માગ કરી. જ્યારે મેવાણીએ વિરોધ નોંધાવ્યો અને વિધાનસભાના વેલમાં ઊતર્યા, ત્યારે ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે તેમને સસ્પેન્ડ કર્યા.
ચૂંટણી ખર્ચ પર ગંભીર આક્ષેપો
મેવાણીએ દાવો કર્યો કે પોરબંદરના કલેક્ટરે લોકસભા ચૂંટણીમાં 20 લાખ રૂપિયાના ટેન્ડરની જગ્યાએ સીધું 2.96 કરોડ રૂપિયાનું બિલ રજૂ કર્યું. જામનગરના કલેક્ટર દ્વારા પણ ગાડીના ખર્ચ માટે એક જ વાહન માટે દિવસના 90 લીટર ઇંધણનું બિલ બનાવી દેવામાં આવ્યું હતું.
16000 રૂપિયાના ડ્રાયફ્રૂટ અને ચિકનના બિલ પર વાંધો
મેવાણીએ વધુ એક ચોંકાવનારો આક્ષેપ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં 40% બાળકો કુપોષિત છે, જ્યારે અધિકારીઓ સરકારના ખર્ચે 16,000 રૂપિયાનાં ડ્રાયફ્રૂટ અને ચિકનના બિલ રજૂ કરી રહ્યા છે.
નકલી જેલનો ખુલાસો
મેવાણીએ ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતાં એવો દાવો કર્યો કે રાજ્યમાં નકલી અધિકારીઓ અને કચેરીઓ પકડાય છે, તો RERAની બિલ્ડિંગમાં ગેરકાયદેસર રીતે નકલી જેલ ચલાવવામાં આવતી હતી, જ્યાં બિલ્ડરોને ગોંધી રાખવામાં આવતા હતા.
સરકારની પ્રતિક્રિયા અને સસ્પેન્શન
મેવાણીના આક્ષેપોને લઈ મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં સ્પષ્ટતા આપતા કહ્યું કે ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે અને તેની નીતિ-નિયમો વિધાનસભામાં ચર્ચા માટે યોગ્ય નથી. તેથી મેવાણીના આક્ષેપો રેકોર્ડ પરથી હટાવવાની માંગ કરી. મેવાણીએ આ નિર્ણયનો વિરોધ કરતાં સૂત્રોચાર શરૂ કર્યો, જેના કારણે તેમને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.