18.4 C
London
Wednesday, May 21, 2025

Gujarat Khedut: પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ: ઉમરગામના ખેડૂતે નવી રાહ ચીંધી

Gujarat Khedut: ઉમરગામના ખેડૂતે ટેકનોલોજી આધારિત પ્રાકૃતિક ખેતીથી નવી સિદ્ધિ પ્રાપ્ત કરી

સાફલ્ય ગાથાઃ આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત, વલસાડ જિલ્લો

પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીના ઉપયોગથી કંઈક હટકે ખેતી કરી ઉમરગામના કનાડુના ખેડૂતે નવી રાહ ચીંધી

આંબા અને હળદરમાંથી ગત વર્ષે ૫.૫૦ લાખ, ચાલુ વર્ષે ૬ લાખ અને નવા ઈનોવેશન વડે વર્ષે રૂ. ૧૫ લાખની આવક મેળવવાનો મક્કમ નિર્ધાર

ફિશ ટેંક, મડ પંપ અને ટાઈમરના ઉપયોગ વડે ઓછા મેન પાવર વડે પ્રાકૃતિક ખેતીમાં સફળતાનો નવો અધ્યાય લખ્યો

મૂલ્યવર્ધિત પ્રાકૃતિક ખેતી કરી હળદરમાંથી પાઉડર બનાવી ‘‘વડલો’’ નામની બ્રાન્ડ માર્કેટમાં ઉભી કરી

પધ્ધતિસર ખેતી માટે આઈએસઓ સિસ્ટમ મુજબ શિડ્યુલ બનાવ્યુ, સાથે ચેકલિસ્ટ પણ તૈયાર કર્યુ

આવનાર સમયમાં AI આધારિત ખેતી કરવાથી પાકમાં કોઈ રોગ કે જીવાત આવે તો આગોતરી જાણ થશે.

GujaratKhedut: ‘‘ખેતી માત્ર કરવા પુરતી નહીં કરવી પરંતુ તેને સમજીને પધ્ધતિસર કરીએ તો અવશ્ય સફળતા મળે છે’’ આ વાતને વલસાડ જિલ્લાના ઉમરગામના કનાડુ ગામના ખેડૂત અને બિઝનેસમેને સાર્થક કરી બતાવી છે. અત્યારનો જમાનો પરંપરાગત ખેતીનો રહ્યો નથી. આધુનિક ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરી આ પ્રગતિશીલ ખેડૂતે ત્રણ એકર જમીનમાં કેરી અને હળદરના પાકમાંથી ગત વર્ષે રૂ.૫.૫૦ લાખની આવક મેળવી હતી જ્યારે ચાલુ વર્ષે ૬.૫૦ લાખ આવક થવાનો અંદાજ છે. ખેતીમાં નવા નવા ઇનોવેશન કરી આ આવકને આવનાર વર્ષોમાં રૂ. ૧૫ લાખ સુધી લઈ જવાનો તેમનો લક્ષ્યાંક છે અને ચેલેન્જ પણ છે. ત્યારે બદલાતા જતા સમયમાં ટેકનોલોજી સાથે ખેતીમાં કેવી રીતે ડગ ભરવા એ અનેક ખેડૂતો માટે પ્રેરણાદાયી છે. Gujarat

ઝડપથી બદલાતા જતા સમયમાં દરેક ક્ષેત્રમાં નવી નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે. જરૂર છે હાર્ડ વર્ક સાથે સ્માર્ટ વર્ક કરવાની. એવા અનેક લોકો છે કે, જેઓએ આધુનિકતા સાથે તાલ મેળવી આર્થિક પ્રગતિના શિખર સર કર્યા છે. જેમાંના એક છે, પારડી તાલુકાના ખડકી ડુંગરી ગામના વતની અને હાલ વાપીમાં રહેતા અને જીઆઇડીસીમાં મેન્ટેનન્સ કન્સલ્ટન્સીનો બિઝનેસ કરતા નિરવભાઈ ગુણવંતભાઈ દેસાઈ અને મોરાઇ ગામના એમના મોટા ભાઈ ડૉ.અજયભાઈ. આ ભાઈઓ પ્રાકૃતિક ખેતી તરફ કેવી રીતે વળ્યા તેની કહાની કહેતા તેઓ જણાવે છે કે, કોવિડ -૧૯ કોરોના કાળમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા ત્યારે મનમાં એવો ડર લાગ્યો કે, ‘‘આપણે જતા રહીશું અને પૈસા ખિસ્સામાં રહી જશે’’. જેથી મોટાભાઈ અજયભાઈને વિચાર આવ્યો કે, સ્વસ્થ જીવન જીવવુ હશે તો પ્રકૃતિના ખોળે વસવુ પડશે અને કૌટુંબિક જીવનને પ્રાધાન્ય આપતા પ્રાકૃતિક ખેતીથી પકવેલી શાકભાજી, અનાજ કે ફળફ્રુટ ટકાઉ ભવિષ્ય માટે એક માત્ર વિકલ્પ છે તેને અપનાવવો પડશે. જેથી ઉમરગામના કનાડુ ગામમાં ૩ એકરની વાડીમાં સુભાષ પાલેકર આધારિત પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. ખેતી માત્ર કરવા પુરતી નહીં કરવી પરંતુ તેને સમજીને પધ્ધતિસર કરીએ તો અવશ્ય સફળતા મળે છે એવો મારો જાત અનુભવ છે. જે માટે મારા ખેતરમાં કેરીની અલગ અલગ જાતની કલમ રોપી હતી. આ સાથે જ આંબાની ફરતે હળદરની ખેતી કરી, જે પણ સફળ રહી. હળદરનો પાક ૭૦ ટકા છાંયડો અને ૩૦ ટકા સૂર્ય પ્રકાશમાં પણ સફળતાપૂર્વક લઈ શકાય છે એ પ્રયોગ કર્યા પછી આંબાના છાંયડામાં હળદર કરી હતી. આ સિવાય સૂરણ અને રતાળુ કંદનો પણ પ્રયોગ કર્યો હતો. ગત વર્ષે ૬ ટન હળદરનો પાક થયો હતો. પરિવારના સ્વાસ્થ્યની સાથે લોકોના સ્વાસ્થ્યની પણ ચિંતા થતા વેલ્યુ એડેડ ખેતી માટે હળદરનો પાઉડર બનાવી ‘‘વડલો’’ બ્રાન્ડ નામથી વેચાણ કરવાનું શરૂ કર્યુ હતું. જેની ખૂબ માંગ રહેતા રૂ. ૩.૭૫ લાખની આવક થઈ હતી. આ સાથે કેરીની પણ રૂ. ૧.૭૫ લાખની આવક થતા કુલ ૫.૫૦ લાખની આવક થઈ હતી. આ વર્ષે ૮ ટન હળદર થવાનો અંદાજ છે.

ટેકનોલોજી આધારિત પ્રાકૃતિક ખેતીની સિસ્ટમ સમજાવતા નિરવભાઈ વધુમાં જણાવે છે કે, ગૌમૂત્ર, છાણ અને બીજા પ્રાકૃતિક ઘટકોનો ઉપયોગ કરી ખાતર તેમજ દવા બનાવીએ છીએ. ૧૦૦૦ લીટરની ૬ ટેંકમાં જીવામૃત બનાવીએ છે. બેકટેરીયાને ઓક્સિજન મળે તે માટે ઓટોમેશન તૈયાર કર્યુ છે. ફીશ ટેંક પંપને ટાઈમર સાથે સેટ કર્યુ છે. જીવામૃત વિપુલ પ્રમાણમાં તૈયાર કરી મડ પંપ દ્વારા ૩ એકરની વાડીમાં ૪૦-૪૦ ફૂટે પાઈપ દ્વારા સવારે અને સાંજે પાણી આપવામાં આવે છે. મશીનરીના ઉપયોગના કારણે સિંચાઈ માટે મેન પાવરની જરૂર નહિવત રહે છે. આ સિવાય ચણાનો લોટ અને ગોળ વડે ઘનજીવામૃત પણ બનાવીએ છે. પધ્ધતિસર ખેતી માટે ISO સિસ્ટમ મુજબ શિડ્યુલ બનાવ્યુ છે. જમીનમાં વર્ષ દરમિયાન શું રોપણી કરવી?, પાક સરંક્ષણ માટે કયારે અને કયુ ખાતર નાંખવુ, જીવામૃત, ઘનજીવામૃત અને દશપર્ણી અર્કનો છંટકાવ કર્યો કે નહી સહિતનું ચેક લિસ્ટ બનાવ્યુ છે. હાલ ખેતરમાં ઘર પૂરતા શુધ્ધ શાકભાજી મળી રહે તે હેતુથી કાંદા, બટાકા, ફલાવર, મેથી, મરચા, ટામેટા, વાલ, દૂધી, ટીંડોળા, તુવેર, ચીકુ, બોર, કમરક, દાડમ અને લીંબુ સહિતના ફળપાક અને શાકભાજી પણ કરી છે. આવનાર સમયમાં વાડીમાં આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (AI) બેઝ સિસ્ટમ પણ બેસાડવા જઈ રહ્યા છે. જેથી પાકમાં કોઈ રોગ આવે કે જીવાત પડે તો તેની આગોતરી જાણ થશે. પાકને પાણી આપવુ કે નહી સહિતની ઉપયોગી માહિતી અગાઉથી મળી રહેશે. આમ, બદલાયેલા સમયમાં ખેડૂતને ઓટોમેશન આધારિત મૂલ્યવર્ધિત ખેતી અને ટેકનોલોજી અંગે જાગૃતિ હોવી જરૂરી છે તો ખેડૂતની દરેક વિડંબના દૂર થાય છે.

ગાયના છાણમાંથી બનાવેલી ૧૨૦૦૦ ઈંટ વડે ઈક્રો ફ્રેન્ડલી ઘર બનાવ્યું, ઉનાળામાં ૪ થી ૫ ડિગ્રી તાપમાન ઓછુ

ખેડૂત નિરવભાઈ દેસાઈ કહે છે કે, ખરૂ જીવન ગામડામાં છે. જેથી ૩ એકર વાડીમાં ૪૦૦૦ સ્કેવર ફૂટ જમીન પર ઈકો ફ્રેન્ડલી આવાસ તૈયાર કર્યુ છે. જેના બાંધકામ માટે છાણમાંથી બનાવેલી ૧૨૦૦૦ ઈંટ સ્પેશિયલ વડોદરાથી બનાવડાવી હતી. સિમેન્ટ પણ ગાયના ગોબરમાંથી બનાવેલી હતી. જેનું એક કન્ટેનર મંગાવ્યુ હતું. અમે ત્રણ ભાઈઓ છે, ડો. અજય દેસાઈ મુંબઈમાં જનરલ પ્રેકટીસનર્સ અને પરેશ દેસાઈ સિવિલ એન્જિનિયર છે. વાર તહેવારે બધા જ અહીં ભેગા થતા હોય છે તેમ છતાં આ ઘરમાં એસી કે ટીવી લગાવી નથી. લાઈટ જાય તો ફાનસના અજવાળામાં રહીએ છે. ઉનાળામાં બહારના તાપમાન કરતા ઘરમાં ૪ થી ૫ ડિગ્રી તાપમાન ઓછુ રહે છે.

આલેખનઃ જિજ્ઞેશ સોલંકી

Hot this week

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત CMની ટીમમાં નવી નિમણૂક

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત...

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના કર્મચારીઓ બેઠા મોટા હોદ્દા પર

Junagadh Municipal Corporation: મનમેળે ભરતી? જૂનાગઢ પાલિકામાં લાયકાત વિના...

Manrega Scam Gujarat: મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડનું નિવેદન – ‘અમારું કામ માત્ર સપ્લાયનું’

Manrega Scam Gujarat: મનરેગા કૌભાંડ મામલે બચુ ખાબડનું નિવેદન...

Topics

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત CMની ટીમમાં નવી નિમણૂક

Additional Principal Secretary: અવંતિકા સિંહ અને વિક્રાંત પાંડેની ગુજરાત...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img