Gujarat Khedut કપરાડાના સિંગારટાટી ગામના ખેડૂત પ્રાકૃતિક ખેતીથી વધારી રહ્યા છે આવક અને સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું ઉત્પાદન
Gujarat Khedut પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સમગ્ર વલસાડ જિલ્લામાં વધે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા ગામે ગામ ખેડૂતોને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમોમાં પ્રાકૃતિક ખેતીની કાર્યપદ્ધત્તિ અને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ અંગે જાણકારીઓ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આશરે ત્રણ વર્ષ પહેલા પ્રાકૃતિક કૃષિની તાલીમમાં ભાગ લઈ પ્રાકૃતિક કૃષિની સકારાત્મક અસરો જાણી કપરાડા તાલુકાના સિંગારટાટી ગામના નિશાળ ફળીયાના ખેડૂત રામુભાઈ દેવરામભાઈ પાગીએ સંપૂર્ણ ગાય આધરિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી.
ખેડૂત રામુભાઈને ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય નિભાવ ખર્ચ માટે માસિક રૂ.૯૦૦/-ની આર્થિક સહાય મળે છે. આ સહાયને કારણે તેઓ કપરાડા જેવા ડુંગરાળ વિસ્તારમાં પણ ગાયને સુપોષિત ખોરાક(ચારો) આપવા સક્ષમ બન્યા છે. ગાયના મળ – ગૌમૂત્રથી જીવામૃત અને ઘન જીવામૃત બનાવી તેનો ઉપયોગ ખેતીમાં ખાતર અને દ્વારા છંટકાવના હેતુસર કરે છે. તેઓ હાલમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વિવિધ શાકભાજી અને કઠોળનું ઉત્પાદન લઈ રહ્યા છે. તેઓ ખેતીમાં વાલ (પાપડી), ટામેટાં, રીંગણ, કાકડી, દૂધી, ગલકાં, તુવેર, ડાંગર તેમજ કડવા વાલ જેવી વિવિધ સ્વાસ્થ્યવર્ધક ખેત પેદાશોનું સિઝનલ ઉત્પાદન કરે છે.
રામુભાઈએ રાજ્ય સરકારનો ગાય નિભાવ ખર્ચની આર્થિક સહાય
અને પ્રાકૃતિક કૃષિ અંગેની વિવિધ તાલીમો યોજવા બદલ આભાર માનતા કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં સુધારો થયો છે અને ખેત પેદાશોનું સારું ઉત્પાદન પણ થાય છે. દરેક સિઝન મુજબ અલગ અલગ શાકભાજી અને કઠોળની ખેતી કરૂં છું. જેમાં કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી દરેક પાકનું ઉત્પાદન લેવામાં આવે છે. નાની આંબાવાડી હોવા છતાં પણ પ્રાકૃતિક પદાર્થોના ઉપયોગથી આશરે રૂ.૩૦ હજારથી વધુનું ઉત્પાદન થાય છે.
વિવિધ શાકભાજી અને કઠોળના ઉત્પાદન દ્વારા આશરે રૂ.૨ લાખથી વધુની વાર્ષિક આવક મેળવી પગભર બન્યા છે. વાલ (પાપડી)ની માગ વધુ હોવાથી આ વર્ષે એક સિઝનમાં માત્ર વાલનું ઉત્પાદન કરી આશરે રૂ.૧ લાખની સિઝનલ આવક પણ મેળવી હતી.
સરકાર તરફથી મળતી પ્રાકૃતિક ખેતી માટેની સહાય દ્વારા રામુભાઈ જેવા રાજ્યના અનેક ખેડૂતોને પગભર થવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને કારણે જમીન અને પ્રાકૃતિક પાકો દ્વારા સ્વાસ્થ્યની પણ જાળવણી થઈ રહી છે.