Gujarat Health Workers Strike : ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 11મો દિવસ: સરકારની કડક કાર્યવાહી, 2100 કર્મચારી નોકરીમાંથી દૂર
Gujarat Health Workers Strike : ગુજરાતના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા હડતાળને આજે 11 દિવસ પૂર્ણ થયા છે. આ દરમિયાન સરકાર દ્વારા સખત વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્યના આઠ જિલ્લાઓમાંથી 2,100 આરોગ્ય કર્મચારીઓને નોકરીમાંથી છોડી મૂકવામાં આવ્યા છે, જ્યારે 5,000થી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ જારી કરાઈ છે. ઉપરાંત, 1,000થી વધુ કર્મચારીઓની ખાતાકીય તપાસના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
સરકારનો નિર્દેશ: હડતાળ સમેટ્યા વગર ચર્ચા નહીં
આ મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની મોટાભાગની માંગણીઓ અપાય તેવી નથી. માત્ર એક જ માંગ યોગ્ય હોવા છતાં, ગ્રેડ પે સુધારવાની માગને અનિર્ણીત રાખવામાં આવી છે. તેમણે હડતાળ પર રહેલા કર્મચારીઓને ફરજ પર પાછા ફરવા અનુરોધ કરતાં સ્પષ્ટ કર્યું કે સરકાર આરોગ્ય સેવામાં કોઈ વિક્ષેપ નહીં આવે તે માટે પ્રતિબદ્ધ છે.
આરોગ્ય કર્મચારીઓનું ઉગ્ર આંદોલનની ચેતવણી
આરોગ્ય કર્મચારી સંઘે સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારતા જણાવ્યું કે જો વાટાઘાટો માટે આમંત્રણ નહીં મળે, તો સમગ્ર રાજ્યમાં મહા આંદોલન કરવામાં આવશે. સંઘે તમામ આરોગ્ય કર્મચારીઓને ગાંધીનગરમાં ભેગા થવા અપીલ કરી છે.

આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણીઓ:
મલ્ટીપર્પઝ હેલ્થવર્કર, ફીમેલ હેલ્થવર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ફીમેલ હેલ્થ સુપરવાઈઝર, તાલુકા અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઈઝરને ટેક્નિકલ કેડરમાં સમાવવાનો નિર્ણય.
ગ્રેડ પે સુધારવા.
ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ.
હવે જોવાનું રહ્યું કે આરોગ્ય કર્મચારીઓ સરકારની આ કાર્યવાહી સામે શું પગલા લે છે અને હડતાળનો અંત ક્યાં સુધી આવે છે.


