Gujarat Government Employees: સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે PMJAY હેઠળ રૂ. 10 લાખ સુધીની કેશલેસ આરોગ્યસેવા: ગુજરાત સરકારની મોટી ભેટ
Gujarat Government Employees: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારએ All India Services (AIS) ના અધિકારીઓ, રાજ્ય સરકારના કર્મચારી અને નિવૃત્ત પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના” શરૂ કરી છે.
આ યોજનામાં PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) અંતર્ગત ‘G’ કેટેગરીના કાર્ડ દ્વારા દરેક કુટુંબને રૂ. 10 લાખ સુધીની કેશલેસ સારવાર મળે તે માટે સુવિધા આપવામાં આવી છે. આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના આશ્રિત કુટુંબીજનો માટે આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડેલી છે.
યોજનાનો લાભ લેવા માટે જરૂરી છે કે લાભાર્થી પાસે PMJAY હેઠળ આપવામાં આવેલ ‘G’ કેટેગરીનું કાર્ડ હોય, જેનું વિતરણ સ્ટેટ હેલ્થ એજન્સી (SHA) દ્વારા થાય છે.

લાભાર્થીઓ માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા:
કર્મચારી અથવા પેન્શનર્સ અને તેમના આશ્રિત કુટુંબીજનો માટે ખાસ પ્રમાણપત્ર જરૂરી છે, જે કચેરીના વડા દ્વારા નિયત નમૂનામાં આપવામાં આવે છે.
આ પ્રમાણપત્ર ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015 અને AIS (Medical Attendance) Rules, 1954 અનુસાર કુટુંબની વ્યાખ્યા મુજબ હોય તેવું હોવું આવશ્યક છે.
તમામ કુટુંબીજનોના આધાર નંબર સહિત માહિતી એ-કેવાયસી માટે રજૂ કરવી ફરજિયાત છે.
પેન્શનર્સ માટે પ્રમાણપત્ર પેન્શન મેળવતા વિભાગ દ્વારા જારી કરવામાં આવશે.
લાભમાંથી બહાર નીકાળવામાં આવશે:
જે કર્મચારી નોકરીમાં નિયમિત નિમણૂક વિના સેવા પૂર્ણ કરે અથવા રાજીનામું આપે તેવા કિસ્સામાં કચેરીના વડા દ્વારા તાત્કાલિક SHA ને જાણ કરવી પડશે.
જે પેન્શનર્સ પેન્શનના કાયદાકીય માનદંડોને અનુરૂપ નથી, તેઓ અને તેમના કુટુંબીજનો આ યોજનામાંથી દૂર થશે.
યોજનાનો ફાયદો:
આ યોજનાથી લગભગ 4.20 લાખ સરકારી અધિકારીઓ-કર્મચારીઓ અને 2.20 લાખ પેન્શનર્સ સહિત કુલ 6.40 લાખ લોકો આરોગ્યસેવાના લાભાર્થી બનશે. ખાસ નોંધનીય છે કે ફિક્સ-પે કર્મચારીઓ આથી પહેલેથી જ કાર્ડ આધારિત લાભ લઈ રહ્યા છે. 70 વર્ષથી ઉપરના પેન્શનર્સ માટે તાજેતરમાં વયવંદના યોજના શરૂ કરી છે, તેથી તેઓ આ યોજનામાં સામેલ નહીં થાય.
આ યોજનાના ખર્ચની જવાબદારી રાજ્ય સરકારની છે, જે વાર્ષિક પ્રતિ કુટુંબ રૂ. 3708/- ની હિસાબે રૂ. 303.3 કરોડનું પ્રીમિયમ ચૂકવશે.
આ યોજના સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આરોગ્ય ક્ષેત્રે એક મોટી રાહત અને સુરક્ષા પૂરાં પાડશે.




