Gujarat Education: RTEમાં આ વર્ષે 2.37 લાખથી વધુ અરજી: આવક મર્યાદામાં વધારો થતાં 45 હજાર વધુ ફોર્મ ભરાયા, માત્ર 93 હજાર બેઠકો ઉપલબ્ધ
Gujarat Education: ગુજરાતમાં RTE (રાઈટ ટૂ એજ્યુકેશન) હેઠળ ખાનગી શાળાઓમાં પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાની તારીખ આજે પૂર્ણ થઈ છે. આ વર્ષે કુલ 2,37,317 અરજીઓ મળી છે. નોંધપાત્ર વાત એ છે કે સરકાર દ્વારા આવક મર્યાદામાં વધારો કરવામાં આવતા અરજીઓની સંખ્યા પણ ઝંપલાવાથી વધી છે – છેલ્લા વર્ષની તુલનાએ આશરે 45 હજાર વધુ ફોર્મ ભરાયા છે.
આવક મર્યાદા વધી એટલે વધ્યો રસ
રાજ્ય સરકારના નિર્ણય અનુસાર હવે વધુ પરિવારો RTEની પ્રવેશ યોજનાના લાભ માટે પાત્ર બન્યા છે. પરિણામે, અનેક વાલીઓએ ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના બાળકો માટે પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે અરજી કરી છે. આવક મર્યાદા વધારવાના પગલાએ સામાજિક ન્યાય તરફ એક સકારાત્મક દિશામાં પગલું ગણાવી શકાય છે.

બેઠકો માત્ર 93,000, સ્પર્ધા તીવ્ર
રાજ્યભરના 10,000થી વધુ ખાનગી શાળાઓમાં કુલ 93,000 જેટલી બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો વિવિધ 13 કેટેગરીના બાળકો માટે અનામત રાખવામાં આવી છે – જેમાં આર્થિક રીતે નબળા વર્ગ, અનાથ, દિવ્યાંગ બાળકો સહિત અન્ય પાત્ર શ્રેણીઓનો સમાવેશ થાય છે.
મોટી સંખ્યામાં ફોર્મ ભરાવા છતાં, મર્યાદિત બેઠકોને કારણે સ્પર્ધા ખૂબ જ તીવ્ર બનવાની શક્યતા છે. હવે પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે મેરિટ અને પાત્રતા આધારીત રહેશે.



