Gujarat cyclone : ગુજરાતમાં પ્રિમોન્સૂનની એન્ટ્રી: ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં વાવાઝોડાની ચેતવણી
Gujarat cyclone : મે મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતના આકાશમાં ગાજવીજ સાથે પલટો જોવા મળ્યો છે. રાજ્યમાં અત્યારથી 8 મે સુધી કેટલાક વિસ્તારોમાં તીવ્ર પવન, વીજળીના કડાકા અને ભારે વરસાદ પડવાની શક્યતા હવામાનવિદ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને અરવલ્લી ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કયાં ઓરેન્જ એલર્ટ?
હવામાન વિભાગના નવાં અપડેટ અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, નર્મદા, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. યેલો એલર્ટ હેઠળ રાજકોટ, જામનગર, સુરત, નવસારી, ભાવનગર અને કચ્છ જેવા જિલ્લાઓ આવરી લેવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તીવ્ર શક્યતા છે.
કરા સાથે વરસાદ અને વીજળીના સંકેત
અંબાલાલ પટેલના કહેવા મુજબ, રાજ્યના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની અસર સૌથી વધુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં જોવાઈ શકે છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદ સાથે વીજળી પડવાની તીવ્ર શક્યતા છે. આ પ્રિમોન્સૂન એક્ટિવિટી હાલ સાયકલોનિક સર્ક્યુલેશન અને દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય ટ્રફના કારણે વધી રહી છે.

ખેડૂત મિત્રો માટે ચેતવણી
હવામાનમાં આવો પલટો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. કેરીના પાક ઉપર અસર થવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને વલસાડ અને સુરતના ભાગોમાં કેરી પાકતી હોવાને કારણે નુકસાન થવાની ભીતિ છે. એ ઉપરાંત ઘઉં, ચણા અને અન્ય ધાન્ય પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે. 11થી 20 મે દરમિયાન વધુ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે, જેનાથી પાકના સ્તરે હલચલ સર્જાઈ શકે છે.
આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી
5 અને 6 મેના રોજ કરા સાથે ગાજવીજભર્યો વરસાદ પડી શકે છે, જ્યારે 7 અને 8 મેના દિવસે કેટલીક જગ્યાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 8 મે સુધી પ્રિમોન્સૂન વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 41 થી 61 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને વરસાદની તીવ્રતા વિસ્તારમાં વિસ્તાર પ્રમાણે જુદી હોઈ શકે છે.
તાપમાનમાં ઘટાડો અને ચોમાસાની તૈયારી
આ પ્રિમોન્સૂન વાતાવરણમાં આવેલા બદલાવના પરિણામે રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં લગભગ 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા જણાઈ રહી છે.
આ સાથે ચોમાસાની શરૂઆત માટેની તૈયારી પણ શરૂ થવા જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગના તારણ પ્રમાણે આંદામાન નિકોબાર તરફથી ચોમાસું વહેલું પ્રવેશી શકે છે અને અરબ સાગરમાં પણ 25 મે થી 4 જૂન વચ્ચે નવા સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાઈ શકે છે.



