Gujarat Congress News: ગુજરાતમાં કોંગ્રેસે શરૂ કર્યું સંગઠન મજબૂતીકરણનું વિશાળ અભિયાન, નવા જિલ્લા અધ્યક્ષની પસંદગી માટે તૈયારીઓ તીવ્ર
Gujarat Congress News: ગુજરાતમાં ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને કોંગ્રેસે પણ રાજ્યમાં ફરીથી પકડ જમાવવા માટે સંગઠન સ્તરે તૈયારીઓ તીવ્ર બનાવી દીધી છે. અમદાવાદમાં તાજેતરમાં યોજાયેલી પ્રદેશ અધિવેશનની બેઠક બાદ સંગઠન મજબૂત બનાવવા માટે કોંગ્રેસે મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે.
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત
કૉંગ્રેસના અંદરના સૂત્રો અનુસાર, આગામી 15 એપ્રિલે પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના મુલાકાતે આવશે. તેઓ જિલ્લાવાર પ્રમુખોની પસંદગી માટે નિરીક્ષકો સાથે સીધી ચર્ચા કરશે. દિલ્હીથી ત્રણ સીનિયર નેતાઓ અને રાજ્યના એક મુખ્ય નેતા તેમના સાથે હાજર રહેશે. મળીને દરેક જિલ્લા માટે યોગ્ય ઉમેદવારને પસંદ કરશે.
43 AICC નિરીક્ષકોની નિમણૂંક
કોંગ્રેસે ‘સંગઠન સૃજન અભિયાન’ હેઠળ સમગ્ર રાજ્યમાં સંગઠનને મજબૂત કરવા માટે 43 AICCના નિરીક્ષકોની નિમણૂંક કરી છે. દરેક જિલ્લા માટે વિશેષ પેનલ તૈયાર કરવામાં આવી છે જેમાં 4 રાજ્ય સ્તરના નિરીક્ષકો અને 1 વાઇસ નિરીક્ષકનો સમાવેશ છે.

મિટિંગ મોડાસામાં યોજાશે
નિમણુંક કરાયેલા તમામ નિરીક્ષકોની પ્રથમ મિટિંગ 15 એપ્રિલના રોજ બપોરે 3 વાગે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે યોજાવાની છે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ પર્સનલ હાજરી આપીને સંગઠનની ભવિષ્યની દિશા નક્કી કરાવશે.
અયોગ્ય નેતાઓને સાઇડલાઇન કરાશે
સૂત્રો જણાવે છે કે, પાર્ટી હવે એવા નેતાઓ સામે પણ કડક વલણ અપનાવશે જે પાર્ટીની અંદર સંઘર્ષ ઊભો કરે છે કે જેઓ પાર્ટીને નબળી પાડે છે. કેટલાક એવા નેતાઓની યાદી તૈયાર થઈ ગઈ છે, જેમને આગામી સમયમાં સાઇડલાઇન પણ કરવામાં આવી શકે છે.



