Gujarat: ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ માટે ઘર સહાય યોજનામાં વધારો, જાણો નવી રકમ
Gujarat: ગુજરાત વિધાનસભામાં અંદાજપત્રીય માંગણીઓ પર ચર્ચા દરમિયાન સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે રાજ્યના નાણાં મંત્રીએ વર્ષ 2025-26 માટે કુલ ₹3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સમાજ સુરક્ષા અને અનુસૂચિત જાતિ પેટા યોજના સહિત વિવિધ યોજનાઓ માટે ₹14,102.26 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે ગયા વર્ષની સરખામણીએ ₹2,577.78 કરોડ વધુ છે.
પછાત વર્ગ માટે મકાન સહાયમાં વધારો
રાજ્ય સરકારે ગરીબ અને પછાત વર્ગના નાગરિકોને ઘર મેળવવામાં સહાય કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી વર્ષથી અનુસૂચિત જાતિ અને અન્ય પછાત વર્ગ માટે હાઉસિંગ સહાયમાં ₹50,000નો વધારો કરવામાં આવ્યો છે, જેના પરિણામે હવે કુલ ₹1,70,000ની મકાન સહાય આપવામાં આવશે. આ માટે કુલ ₹120 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
વંચિત અને પીડિત વર્ગો માટે સરકારની પ્રતિબદ્ધતા
રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વિવિધ કલ્યાણકારી યોજનાઓ દ્વારા અનુસૂચિત જાતિઓ, વિચરતી અને વિમુક્ત જાતિઓ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, દિવ્યાંગજનો અને વિધવા બહેનોના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રયત્નશીલ છે.
અંદાજપત્રમાં મુખ્ય યોજનાઓ માટે જોગવાઈ
શૈક્ષણિક યોજનાઓ
અનુસૂચિત જાતિ કલ્યાણ માટે ₹624.90 કરોડ
વિકસતી જાતિ કલ્યાણ માટે ₹1,612 કરોડ
કુલ: ₹2,236.90 કરોડ
આવાસ યોજનાઓ
પંડિત દીનદયાળ આવાસ યોજના (વિકસતી જાતિ માટે) – ₹265 કરોડ
ડૉ. આંબેડકર આવાસ યોજના (અનુસૂચિત જાતિ માટે) – ₹127.50 કરોડ
રાજ્ય સરકારે સર્વગ્રાહી વિકાસને ધ્યાનમાં રાખી, દરેક વર્ગની જરૂરિયાત મુજબ કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવાનો સંકલ્પ કર્યો છે. 2025-26 માટે સમાજ ન્યાય અને અધિકારિતા વિભાગ માટે ₹14,102.26 કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભામાં મંજૂર કરવામાં આવી.



