GSEB Result 2025: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, પરિણામ સાથે પૂરક પરીક્ષાની માહિતી પણ બહાર
GSEB Result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07 ટકા રહ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 83.51 ટકા નોંધાયું છે.
ગયા વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં 1.0 ટકાનો વધારો જોવા મળ્યો છે અને સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ 1.14 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

વિદ્યાર્થીઓ તેમના પરિણામની વિગતો માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર જઈ શકે છે અથવા વ્હોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પરિણામ મેળવી શકે છે.
આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 3,64,859 નિયમિત, 22,652 રીપીટર, 4,031 આઇસોલેટેડ, 24,061 ખાનગી અને 8,306 ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,384 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેમાં 1,00,813 નિયમિત, 10,476 રીપીટર અને 95 આઇસોલેટેડ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તદુપરાંત, જો કોઈ વિદ્યાર્થીઓને ઓછા ગુણ પ્રાપ્ત થયા હોય અથવા તેઓ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોય, તો તેમને ચિંતા કરવાની જરૂર નથી. GSEB દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આગામી જૂન મહિનાની આસપાસ, આશરે 16 જૂનથી આયોજિત કરવામાં આવશે.
આ પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને “બેસ્ટ ઑફ 2” નિયમ હેઠળ ફરીથી પરીક્ષા આપવા માટેનો મોકો આપવામાં આવશે, જેથી તેઓ પોતાનું વર્ષ બગાડ્યા વગર આગળ વધી શકે.



