Greater Gujarat Khedut ભીલાડ પ્રાકૃતિક ખેતી એફપીઓ: ગાય આધારિત ખેત પેદાશો લોકો સુધી પહોંચાડવાનું પ્લેટફોર્મ
Greater Gujarat Khedut રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન, સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. ત્યારે વલસાડ જિલ્લાના અનેક ખેડૂતોએ પણ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે. આત્મા પ્રોજેક્ટ દ્વારા સમયાંતરે પ્રાકૃતિક ખેતી અંતર્ગત તાલીમોનું આયોજન પણ કરવામાં આવે છે. તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા મળતી વિવિધ તકો અને સહાય વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેત પેદાશોનું સરળતાથી બજારમાં વેચાણ થાય અને પ્રાકૃતિક ખેત પેદાશો સામાન્ય લોકો સુધી પહોંચે તે માટે ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે પ્રાકૃતિક એફપીઓ (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન) વીયુ વલસાડ એસપીએનએફ પ્રોડ્યુસર કંપની લિમિટેડ ચલાવવામાં આવે છે.
આ એફપીઓના સેક્રેટરી કાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, પહેલાં પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના જ ખેતી કરતા હતા પરંતુ આત્મા પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની તાલીમો મેળવ્યા બાદ વર્ષ ૨૦૧૯માં સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી. પહેલા અહીંના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઘરેથી અને નજીકના બજારમાં ખેત પેદાશોનું વેચાણ કરતા હતા. ત્યારબાદ સક્રિય રીતે સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ૧૧ ખેડૂતોએ ભેગા મળી આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક એફપીઓનું વર્ષ ૨૦૨૧માં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વર્ષ ૨૦૨૪થી એફપીઓમાં દરેક સુવિધાઓ ઊભી કરી કાર્યરત કરાયું ત્યારે ૭૮ જેટલા ખેડૂતો જોડાયા હતા. અહીં અત્યાર સુધી ૧૫૪ જેટલા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સભ્યો પ્રવૃતિમય છે અને આ વર્ષે ૩૦૦ સભ્યોના લક્ષ્યને પાર કરવાનો નિર્ધાર કર્યો છે. એફપીઓમાં રૂ.૨૦૦૦/-ના શેરની ખરીદી કરી સભાસદ બનતાંની સાથે જ ખેડૂતને રૂ.૨૦૦૦/-ના શેર રાજ્ય સરકાર દ્વારા મળે છે.
વધુમાં કાંતિભાઈએ જણાવ્યું હતું કે, એફપીઓમાં ખેડૂતોની દરેક પ્રકારની અનાજ, શાકભાજી, કઠોળ, કેરી, ચીકુ, સહિતના અનેક ઉત્પાદનો તેમજ બીજા જિલ્લાના પ્રાકૃતિક એફપીઓ સાથે સંકલન કરી બીજી પ્રાકૃતિક પ્રોડક્ટસ જેવી કે, ગોળ, તેલ, વગેરેનું પણ અહીંથી સીધું વેચાણ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૪ના છ માસિક સરવૈયા મુજબ બીજા એફપીઓ સાથે સંકલન દ્વારા મેળવેલી વિવિધ પ્રોડક્ટ દ્વારા આશરે રૂ. ૮ લાખથી વધુનું વેચાણ થયું હતું. તેમજ લોકલ ખેત પેદાશોનું પણ સારા પ્રમાણમાં વેચાણ શક્ય બન્યું છે. આ વર્ષે કેરીનું પણ વધુ પ્રમાણમાં વેચાણ કરવાનું આયોજન છે. એફપીઓથી ખેડૂતોને ખેત પેદાશોનું વેચાણ કરવામાં ફાયદો થાય છે અને સારો ભાવ પણ મળી રહે છે.
આ એફપીઓ ખાતે દર શનિવારના રોજ એફપીઓના ડાયરેક્ટરો દ્વારા પ્રાકૃતિક ખેતી અંતર્ગત માહિતી પ્રદાન કરવામાં આવે છે તેમજ જરૂરી સલાહ સૂચનો પણ કરવામાં આવે છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા માટેના પાંચ મુખ્ય આયામોની સમજ આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપવામાં આવે છે. જીવામૃત અને ઘનજીવામૃત તેમજ બીજા ગાય આધારિત વિવિધ અર્ક બનાવવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે. રાજ્ય સરકારની સહાયથી આ એફપીઓ પ્રાકૃતિક ખેતી કરતા દરેક ખેડૂતને આગળ વધવા માટે સારું પ્લેટફોર્મ પુરૂ પાડી રહ્યું છે.