Govind Dholakiya temple initiative: ધર્મ, દયા અને દાનનો સમન્વય: ગોવિંદ ધોળકિયાનું હનુમાન યાગ મિશન
Govind Dholakiya temple initiative: ગુજરાતના ડાંગ જિલ્લાના ખૂણાખૂણામાં ધાર્મિક અને સાંસ્કૃતિક જાગૃતિ લાવવાનો દ્રષ્ટિકોણ લઈને સુરતના જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ 311 ગામોમાં હનુમાન મંદિર બાંધવાનો વિશાળ સંકલ્પ લીધો છે. આજદિન સુધીમાં 121 મંદિર બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યને “હનુમાન યાગ” તરીકે ઓળખવામાં આવ્યું છે, જે માત્ર મંદિરોનો નહિ પણ શ્રદ્ધા, સંસ્કાર અને લોકજાગૃતિનો યાગ છે.
આ ભવ્ય વિચારોની શરુઆત એક સાધારણ દ્રશ્યથી થઈ. વર્ષ 2017માં ગોવિંદભાઈ અને પૃથ્વીપ્રસાદ સ્વામી એક ગામમાંથી પસાર થતા હતા, ત્યારે તેમણે વૃક્ષ નીચે ખુલ્લી હવામાં મૂકી દેવામાં આવેલી હનુમાનજીની મૂર્તિ જોઈ. આ દ્રશ્યે તેમની ભાવનાઓને ઝાકઝોળી નાખ્યું. તેમણે તરતજ સ્વામીજી પાસે કહ્યું, “અવિજ્ઞાનરૂપે ભગવાન આવી રીતે રાખેલા જોઈને દુઃખ થાય છે.” સ્વામીજીએ પણ ઉત્તર આપ્યો કે આ દ્રશ્ય માત્ર એ ગામ પૂરતું નહીં, આખા ડાંગમાં સામાન્ય છે – પરંતુ પ્રશ્ન છે, “કોણ બદલે આ સ્થિતિ?”

ત્યારે જ ગોવિંદભાઈએ નિર્ધાર કર્યો – ડાંગના દરેક ગામમાં એક સરખું હનુમાન મંદિર ઊભું થશે. મંદિરો માત્ર ઈંટ-પથ્થરના નહીં, પણ સ્થાનીક લોકો માટે શ્રદ્ધાના કેન્દ્ર અને સામૂહિક એકતાનું પ્રતિક બનશે. લોકાર્પણના તબક્કામાં 121 મંદિરોના કાર્ય માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધોળકિયા, દાતા અગ્રણીઓ અને સંતોની ઉપસ્થિતિ રહી હતી. રાજ્યપાલ હવામાન અનુકૂળ ન હોવાથી હાજર રહી શક્યા નહોતા.

એક ખેડૂતના પુત્રથી દાનવીર ઉદ્યોગપતિ સુધી
ગોવિંદભાઈ ધોળકિયાની કહાની પ્રેરણાદાયક છે. 1947ના વર્ષમાં અમરેલી જિલ્લાના દુધાળા ગામે જન્મેલા ગોવિંદભાઈનો ઉછેર ખૂબ જ સિમિત સાધનો વચ્ચે થયો. એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી ઉઠીને તેમણે માળખાગત શિક્ષણ વિના મહેનત અને ઈમાનદારીના આધાર પર જીવનમાં સફળતા મેળવી. આજે તેઓ SRK Exportsના સ્થાપક તરીકે વિશ્વભરમાં જાણીતા છે. તેમના જીવનનો સાર એ છે – જ્યાં જરૂર છે ત્યાં મદદ કરો અને જ્યાં શ્રદ્ધા છે ત્યાં આધ્યાત્મિક માળખું ઊભું કરો.



